January 9, 2025

મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં કરાશે HMPVનો ટેસ્ટ, શરૂ કરાયો આઈસોલેશન વોર્ડ

Mehsana: HMP વાયરસને લઈને વિશ્વભરમાં હાલ ચિંતાનો માહોલ છે. ગુજરાતમાં એક HMPVનો એક કેસ આવ્યા બાદ રાજ્યમાં તંત્ર એલર્ટ મોડ પર છે. આ વચ્ચે હવે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં HMP વાયરસનો ટેસ્ટ કરવામાં આવશે. ઊંઝા અને કડી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે.

મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારની ગાઇડ લાઇન મુજબ મહેસાણા સિવિલ સહિત જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોમાં આ વાયરસનો ટેસ્ટ કરવામાં આવશે. મહેસાણા સિવિલ, ઉપરાંત ઊંઝા, કડી અને વિસનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ વડનગરની મેડિકલ કોલેજમાં એચએમપી વાયરસનાં લક્ષણો ધરાવતા દર્દીનો આરટી પીસીઆર ટેસ્ટ કરવા લેખિત સૂચના આપવાામાં આવી છે.

આ પણ વાંચો: HMP વાયરસ નવો નથી… 24 વર્ષ પહેલાં મળ્યો હતો પ્રથમ કેસ, UNએ કર્યો દાવો

ઉલ્લેખનીય છે કે, ભારતમાં માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) સંક્રમણના પાંચ કેસ મળ્યા બાદ, કેન્દ્રએ રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર શ્વસન બિમારી (SARI) સહિત શ્વસન રોગો માટે દેખરેખ વધારવા અને HMPV ના નિવારણ અંગે જાગૃતિ લાવવા જણાવ્યું છે.