જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં હિંમતનગર સજ્જડ બંધ

સાબરકાંઠા: જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં હિંમતનગરના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વેપારીઓએ સ્વેચ્છિક બંધનું એલાન કર્યું હતું. લારી-ગલ્લા સહિત ધંધા-રોજગાર બંધ પાડી આતંકવાદ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. વહેલી સવારથી જ હિંમતનગરમાં દુકાનો સહિત પાથરણાં સજ્જડ બંધ છે.
બે દિવસ અગાઉ મુસ્લિમ સમાજ દ્વારા બપોર સુધી ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરાઈ હતી. ગતરોજ આતંકવાદ હુમલાના વિરોધમાં ઈડર, વડાલી, વિજયનગર સજજડ બંધ રહ્યું હતું. હિંમતનગર ખાતે ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્ર સહિત રામધૂનનું આયોજન કરાયું છે. સરકાર દ્વારા આતંકવાદ સામે કડક કાર્યવાહીની લોકો માગ કરી રહ્યા છે.