ચક્રવાત ‘દાના’ કરતા પણ ઘાતક હેમંત સોરેન સરકાર: શિવરાજ સિંહ ચૌહાણ
Jharkhand Assembly Election 2024: ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી 2024ની તારીખ નજીક આવતાં જ રાજકીય પક્ષો વચ્ચે એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. આ દરમિનયાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાણે હેમંત સોરેનની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. શિવરાજે કહ્યું છે કે હેમંત સોરેન સરકાર ચક્રવાતી તોફાન ‘દાના’ કરતા પણ વધુ ઘાતક છે.
શિવરાજે શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે હેમંત સોરેનની JMMના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં. શિવરાજે કહ્યું કે હેમંત સોરેનની સરકાર ગંભીર ચક્રવાતી તોફાન ‘દાના’ કરતા પણ વધુ ઘાતક છે. શિવરાજે ચેતવણી આપી હતી કે જો ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળની સરકાર ફરી સત્તામાં આવશે તો તે રાજ્યમાં વિનાશ સર્જશે. વધુમાં કહ્યું કે, ગંભીર ચક્રવાતી તોફાન દાના બે દિવસમાં અદૃશ્ય થઈ જશે, પરંતુ જો હેમંત સોરેનની સરકાર ફરીથી સત્તામાં આવશે તો તે તબાહી સર્જશે.
ભ્રષ્ટાચાર, વિનાશ અને લૂંટના આરોપો
રાંચીમાં એક રેલીને સંબોધતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે JMM સરકારના પાંચ વર્ષના શાસન દરમિયાન ભ્રષ્ટાચાર, વિનાશ અને લૂંટનો આરોપ લગાવ્યો હતો. શિવરાજે રેલીમાં આવેલા લોકોને કહ્યું કે હેમંત સોરેનની ગઠબંધન સરકારને ઉથલાવી દેવાનો સમય આવી ગયો છે.
ચૂંટણી ક્યારે યોજાશે?
ચૂંટણી પંચે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ઝારખંડમાં કુલ 81 વિધાનસભા બેઠકો માટે 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યમાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે અને પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. દુમકા વિધાનસભા સીટ પર બીજા તબક્કામાં 20 નવેમ્બર 2024ના રોજ મતદાન થશે.