September 14, 2024

સુદાનમાં ભારે વરસાદથી હાહાકાર, ડેમ તૂટ્યો; અત્યાર સુધીમાં 60 લોકોના મોત

Sudan Rain : હવે ગૃહયુદ્ધથી પીડિત સુદાન પર કુદરતી આફતે તબાહી મચાવી છે. અહીં વરસાદને કારણે લાલ સમુદ્ર પાસે આવેલો અરબત ડેમ તૂટી ગયો છે. જેના કારણે હજારો મકાનો ધરાશાયી થયા છે. ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. સુદાનમાં ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સ્થિતિ ભયજનક બની છે. ડેમ તૂટવાને કારણે હજુ પણ ઘણા લોકો લાપતા છે.

આફ્રિકન દેશ ગૃહયુદ્ધના કારણે બિસમાર હાલતમાં પડી ગયો છે. છેલ્લા એક વર્ષથી અહીં સ્થિતિ સામાન્ય નથી. હવે અરબત ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડેમ લાલ સમુદ્રની નજીક આવેલા શહેર પોર્ટ સુદાન માટે શુદ્ધ પાણીનો સ્ત્રોત છે. પૂરના કારણે ઘણા વિસ્તારોમાં હજારો મકાનો ધરાશાયી થયા છે. વાહનો ધોવાઈ ગયા છે. લોકો ઊંચા વિસ્તારોમાં દોડી રહ્યા છે.

સુદાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર જૂનમાં શરૂ થયેલો ભારે વરસાદ હજુ પણ વચ્ચે-વચ્ચે પડી રહ્યો છે. વરસાદ અને ડેમ તૂટવાને કારણે અત્યાર સુધીમાં લગભગ 200 લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા 300 થી વધી શકે છે. 10 ઓગસ્ટ સુધી સુદાનના 10 રાજ્યો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જેના કારણે 27 હજારથી વધુ પરિવારો વિસ્થાપિત થયા છે. એક અનુમાન મુજબ સુદાનમાં વરસાદને કારણે 1.25 લાખ લોકોએ પોતાનું સ્થાન છોડવું પડ્યું છે.

10 ઓગસ્ટ સુધીમાં 9 રાજ્યોમાં પૂરના કારણે 53 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 8 હજારથી વધુ ઘરોને નુકસાન થયું છે. 832 ચોરસ કિલોમીટરમાં ઉભા પાકને નુકસાન થયું છે. છેલ્લા ઘણા સમયથી સુદાનમાં જૂન અને ઓક્ટોબર વચ્ચે પૂરના કારણે તબાહી સર્જાઈ છે. માનવતાવાદી કટોકટી આ વર્ષે વધુ વધી છે. સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે સતત ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે.