September 14, 2024

પાટણ જિલ્લામાં 5 દિવસથી અવિરત વરસાદ, સોસાયટીઓમાં ઘૂસ્યા ઘૂંટણસમા પાણી

પાટણ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના તમામ જિલ્લાઓમાં મેઘો ધડબડાટી બોલાવી રહ્યો છે. આવામાં પાટણ જિલ્લાના તમામ ગામડાઓમાં મેઘો અવિરત વરસી રહ્યો છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આવામાં પાટણ જિલ્લામાં સતત પાંચ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જ વરસાદ વરસતા હારીજના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે.

ધોધમાર વરસાદના કારણે હારીજ શહેરમાં આવેલ હસ્તિનાપુર સોસાયટીમાં પાણી ભરાયા છે. અહીં સોસાયટીમા ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના 25 જેટલાં મકાનોમા ઘૂંટણસમા પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાતા લોકોએ આખી રાત ખાટલા પર બેસી વિતાવવાનો વારો આવ્યો છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે.

બીજી તરફ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતા પાણીનો નિકાલ કરવા માટે લોકો ડોલો વડે પાણી નિકાલ કરવા મજબુર બન્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં પાણી ભરાય જાય છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.