January 14, 2025

હરિયાણા વિધાનસભા ભંગ, રાજ્યપાલે આપી મંજૂરી, CM સૈની નીતિગત નિર્ણયો નહીં લઈ શકે

Haryana Assembly Dissolved: હરિયાણા વિધાનસભા ભંગ કરી દેવામાં આવી છે. નાયબ સિંહ સૈની કેબિનેટની ભલામણ બાદ રાજ્યપાલે ગુરુવારે(12 સપ્ટેમ્બર) રાજ્યની વિધાનસભા ભંગ કરી દીધી હતી. રાજ્યપાલે કેબિનેટ દ્વારા મોકલવામાં આવેલી ભલામણને મંજૂરી આપી હતી. હરિયાણા વિધાનસભા ભંગ થયા બાદ હવે સૈની સરકાર રાજ્યમાં કેર ટેકિંગની જેમ કામ કરશે. કાર્યવાહક CM નાયબ સૈની નીતિગત નિર્ણયો લઈ શકશે નહીં.

નોંધનીય છે કે, હરિયાણા વિધાનસભાનું છેલ્લું સત્ર 13 માર્ચે બોલાવવામાં આવ્યું હતું. બંધારણીય રીતે 6 મહિનામાં એકવાર વિધાનસભાનું સત્ર બોલાવવું જરૂરી છે. આ બંધારણીય સંકટને ટાળવા માટે, સીએમ નાયબ સિંહ સૈનીએ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. નિયમો અનુસાર, ગૃહના બે સત્ર વચ્ચે 6 મહિનાથી વધુનું અંતર હોવું જોઈએ નહીં.

ટિકિટોની વહેંચણી અને ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થતાં જ હરિયાણામાં મોટાભાગની પાર્ટીઓમાં હંગામો જોવા મળ્યો હતો. કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષોમાં નારાજગી જોવા મળી હતી. ઘણા નેતાઓએ છેલ્લી ઘડીએ પક્ષ બદલ્યો અને કેટલાકે અપક્ષ ઉમેદવારી નોંધાવી. ગુરૂવારે (12 સપ્ટેમ્બર) નામાંકન તારીખના અંતિમ દિવસે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી.

નૂહમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અશોક કુમારે જણાવ્યું હતું કે, “હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે નોમિનેશનનો છેલ્લો દિવસ હતો. નૂહ જિલ્લાને 40 નોમિનેશન મળ્યા છે. નૂહ મતવિસ્તારમાંથી 15, ફિરોઝપુર ઝિરકાથી 13 અને પુનહાનામાંથી 12 પેપર ફાઈલ થયા હતા. નામાંકન પ્રક્રિયા સરળ અને શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી, કોઈ ઘટના નોંધાઈ ન હતી.

હરિયાણામાં 16 સપ્ટેમ્બર સુધી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો તેમના નામ પાછા ખેંચી શકશે. ચૂંટણી પંચના શેડ્યૂલ મુજબ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે 8 ઓક્ટોબરે મત ગણતરી થશે.