હમાસ તમામ ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા તૈયાર, પરંતુ રાખી આ મોટી શરત…

Gaza war: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ લેતું નથી. ગાઝા પટ્ટીના લોકો નેતન્યાહૂના રોષનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન હમાસે ગાઝા ક્ષેત્રમાં યુદ્ધના અંતના સંકેત આપ્યા છે. હમાસના ગાઝા વડા ખલીલ અલ-હયાએ એક વ્યાપક સમાધાનનો પ્રસ્તાવ મૂક્યો છે. ખલીલ અલ-હય્યા કહે છે કે, હમાસ ઇઝરાયલી જેલોમાં બંધ ચોક્કસ સંખ્યામાં પેલેસ્ટિનિયનોના બદલામાં ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા તૈયાર છે. ખલીલે કહ્યું કે, તે તાત્કાલિક અસરથી જ આ સોદો કરવા રાજી છે.

ઇઝરાયલ સાથે પરોક્ષ વાટાઘાટો માટે હમાસ વાટાઘાટ ટીમના વડા ખલીલ અલ-હય્યાએ એક ટેલિવિઝન ભાષણમાં જણાવ્યું હતું કે, જૂથે વચગાળાના યુદ્ધવિરામ કરારને નકારી કાઢ્યો છે.

હમાસના ગાઝાના વડા ખલીલ અલ-હય્યાએ એક ટેલિવિઝન નિવેદનમાં જણાવ્યું હતું કે, હમાસ ગાઝામાં કોઈપણ આંશિક યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકારશે નહીં. ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ રાજકીય એજન્ડાને છુપાવવા માટે આંશિક કરારોનો ઉપયોગ કરે છે. અમે આ નીતિમાં ભાગ લઈશું નહીં. આ સાથે તેમણે 10 જીવંત બંધકોને મુક્ત કરવાના બદલામાં ઓછામાં ઓછા 45 દિવસના યુદ્ધવિરામના ઇઝરાયલના પ્રસ્તાવને પણ નકારી કાઢ્યો હતો.

હમાસના મુખ્ય વાટાઘાટકાર ખલીલ અલ-હય્યાએ જણાવ્યુ હતુ કે, હમાસ ગાઝા પટ્ટીમાં સંપૂર્ણ શાંતિ માટે એક વ્યાપક સોદો ઇચ્છે છે અને ઇઝરાયલી જેલમાં બંધ પેલેસ્ટિનિયનોના બદલામાં તમામ બંધકોને મુક્ત કરવા માગે છે. હમાસ આવા વ્યાપક પ્રસ્તાવ પર તાત્કાલિક વાટાઘાટો માટે પણ તૈયાર છે.

ઇઝરાયલના પ્રસ્તાવમાં શું છે?
ખલીલ અલ હય્યાએ તાજેતરમાં માહિતી આપી હતી કે, તેમને ઇઝરાયલી તરફથી એક નવી ઓફર મળી છે. આ પ્રસ્તાવમાં ગાઝામાં બંધક બનેલા 10 બચી ગયેલા બંધકોને મુક્ત કરવાના બદલામાં ઓછામાં ઓછા 45 દિવસના યુદ્ધવિરામનો સમાવેશ થાય છે. તેમાં ઇઝરાયલી જેલમાંથી 1231 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની અને આ પ્રદેશમાં માનવતાવાદી સહાયનો માર્ગ મોકળો કરવાની પણ જોગવાઈ છે.

હમાસના અધિકારીએ જણાવ્યું હતું કે, ઠરાવમાં યુદ્ધનો કાયમી અંત લાવવાની હાકલ કરવામાં આવી છે. શરત એ છે કે ગાઝામાં પેલેસ્ટિનિયન જૂથો, જેમાં હમાસનો પણ સમાવેશ થાય છે, નિઃશસ્ત્ર થઈ જાય. ઉલ્લેખનીય છે કે, હમાસે હંમેશા નિઃશસ્ત્રીકરણની માગને નકારી કાઢી છે.

ગાઝામાં અત્યારે પરિસ્થિતિ કેવી છે?
ગાઝા પટ્ટીમાં ઇઝરાયલના હવાઈ હુમલા ચાલુ છે. ગુરુવારે રાત્રે ગાઝા પટ્ટીમાં થયેલા હુમલામાં એક જ પરિવારના 10 સભ્યો સહિત 23 લોકો માર્યા ગયા હતા. ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ છેલ્લા છ અઠવાડિયાથી ગાઝામાં ખાદ્ય પુરવઠો બંધ થવા પર ચિંતા વ્યક્ત કરી છે. આ કારણે ગાઝા પટ્ટીના લોકોને ખોરાક મળી શકતો નથી. ઘણી જગ્યાએ તો પાણીની કટોકટી પણ છે.

દિવસમાં માત્ર એક જ વાર ખાઈ શકે છે લોકો
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે, ગાઝા પટ્ટી હવે 18 મહિનામાં સૌથી ખરાબ માનવતાવાદી સંકટનો સામનો કરી રહી છે. નોર્વેજીયન રેફ્યુજી કાઉન્સિલના પ્રવક્તા શૈના લોએ જણાવ્યું હતું કે, ગાઝામાં મોટાભાગના લોકો હવે દિવસમાં માત્ર એક જ વાર ખાવા માટે સક્ષમ છે. આ જરૂરિયાત કરતાં ઘણું ઓછું છે. આ ઉપરાંત ગાઝામાં પાણીની અછત વધી રહી છે. પેલેસ્ટિનિયનો ટ્રકોમાંથી કેન ભરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે. સ્થાનિક પાણી ઉપયોગિતાના અધિકારી ઓમર શતાતે જણાવ્યું હતું કે, લોકોને દરરોજ ફક્ત છ કે સાત લિટર પાણી મળી રહ્યું છે, જે મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી પાણી કરતાં ઘણું ઓછું છે.

ઇઝરાયલે કહ્યું – બંધકોને મુક્ત ન થાય ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે
તો ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે સ્પષ્ટપણે કહ્યું છે કે, તેમના દેશની નીતિ સ્પષ્ટ છે કે તેઓ હમાસ પર દબાણ લાવવા માટે આ હુમલાઓ કરી રહ્યા છે. જ્યાં સુધી હમાસ બાકીના બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી હમાસ પર હુમલા ચાલુ રહેશે. માનવતાવાદી સહાયને અવરોધિત કરવી એ હમાસ સામે ઉપયોગમાં લેવાતી દબાણયુક્ત યુક્તિઓમાંની એક છે. હમાસ પાસે હાલમાં 59 બંધકો છે, જેમાંથી 24 જીવંત હોવાનો અંદાજ છે. તેમનું કહેવું છે કે, તેઓ ફક્ત વધુ પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિ, ગાઝામાંથી સંપૂર્ણ ઇઝરાયલી પાછા ખેંચવા અને કાયમી યુદ્ધવિરામના થશે તો જ તેમને પરત કરશે.