July 4, 2024

ગુજરાતમાં ભારે પવન, ગિરનાર રોપ-વે સેવા બંધ કરી

gujarat weather update junagadh girnar rope way close

ફાઇલ તસવીર

જૂનાગઢઃ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે પવનને કારણે જૂનાગઢના ગિરનારની રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, પવનની ગતિ 54 કિમી પ્રતિ કલાકની હોવાથી રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. તેને લઈને આજ પૂરતું ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વાતાવરણ સામાન્ય થતા ફરી રોપવે સેવા કાર્યરત કરવામાં આવશે.

અરવલ્લીના વાતાવરણમાં પલટો
તો બીજી તરફ, અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. તેને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઘઉં, બટાકા, વરિયાળી જેવા પાકને વાદળછાયા વાતાવરણને કારણે નુકસાન થાય તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલની માવઠાંની આગાહી
ગુજરાતને માથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ આવી પડ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠું પડશે તેવી આગાહી કરી છે. ત્યારે તેને લઈને ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આ ઉપરાંત 29 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ભારે પવન ફૂંકાશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે.