June 28, 2024

હવામાન વિભાગની અંગ દઝાડતી આગાહી, આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યુ છે કે, આગામી 5 દિવસ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. 24 કલાક માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ રહેશે. રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી સૌથી વધુ તાપમાન રહ્યું છે.’

આ પણ વાંચોઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો વરસાદ અંગે શું કહ્યું

હિટવેવ વિશે જણાવતા તેઓ કહે છે કે, ‘દીવ, ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગરમાં હિટવેવ વધુ રહેશે. આ ઉપરાંત વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ હિટવેવની અસર રહે તેવી શક્યતા છે.’

રેકોર્ડ બ્રેક ગરમી વિશે તેઓ જણાવે છે કે, ‘100 વર્ષમાં 2016માં 20મેના દિવસે અમદાવાદનું તાપમાન 48 ડિગ્રી રહ્યું હતું. ત્યારબાદ આ વર્ષની ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. વર્ષ 2016 પછી શહેરમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 46.6 ડિગ્રી નોંધાઈ છે.’

અંબાલાલ પટેલે ગરમી અંગે શું આગાહી કરી?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખાસ વાતચીત કરી હતી. તેમણે ગરમી અંગે મોટી આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, 26 તારીખ સુધી હજુ ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયેલો રહેશે. ત્યારબાદ ક્રમશઃ ગરમીનું પ્રમાણ ઘટશે. આગામી 26મી મેથી 4 જૂન સુધી ગરમીમાં ઘટાડો થશે.

વાવાઝોડા અંગે અંબાલાલે શું કહ્યું?
વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. 26મી મે સુધી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત રહેશે. દક્ષિણ પૂર્વીય તટો પર ભારે તબાહી મચાવશે. વાવાઝોડામાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ પૂર્વીય તટ પર ભારે વરસાદની શક્યતા છે. આંધી, વંટોળ અને ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે.

4થી 14 જૂન વચ્ચે વરસાદ આવશેઃ અંબાલાલ
તો બીજી તરફ, ચોમાસા અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ વધશે. ત્યારબાદ 8મી જૂનથી દરિયાના પવનમાં બદલાવ આવશે. તારીખ 4થી 14 જૂન વચ્ચે વરસાદ વરસે તેવી શક્યતા છે. તારીખ 22થી 28 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ વખતે ચોમાસામાં પવનની ગતિ વધારે રહેશે.