December 21, 2024

હવામાન વિભાગની આગાહી – આગામી 6 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા

અમદાવાદઃ ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાહતભરી આગાહી કરી છે. જેમાં આગામી 6 દિવસમાં રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા હવામાન વિભાગના અભિમન્યુ ચૌહાણ જણાવે છે કે, ‘એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઈ વધારો નહીં થાય. ઉત્તર-પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ડેવલપ થવાથી તાપમાન ઊંચુ જવાની સંભાવના નહીં રહે. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે.’

આ પણ વાંચોઃ પીટી જાડેજાની વાયરલ ઓડિયો અંગે સ્પષ્ટતા, કહ્યુ – સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ

તેઓ વધુમાં જણાવે છે કે, ‘અમદાવાદમાં 41.6 ડિગ્રી અને ગાંધીનગરમાં તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે. આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે.’

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ‘દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવશે. તેને કારણે તાપમાન ઉંચુ જાય તેવી શક્યતા નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાશે.’

આ પણ વાંચોઃ અમરેલીમાં પુત્રવધૂ-વેવાણે કરી સાસુની ક્રૂર હત્યા, કટર ગળે ફેરવી પતાવી દીધી

વરસાદની આગાહી વિશે વાત કરતા તેઓ કહે છે કે, ‘ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ વરસવાની શક્યતા છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ વરસાદ પડે તેવી સંભાવના છે.’