ગુજરાતનો મિજાજ બદલાયો, ઠંડીનો ચમકારો દેખાયો; નલિયામાં 15 ડિગ્રી તાપમાન
અમદાવાદઃ રાજ્યભરમાં ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મોડી રાતે સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાઈ રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે પણ ઠંડીને લઈને મહત્ત્વની આગાહી કરી છે.
હવામાન વિભાગે આ મામલે જણાવ્યુ છે કે, ‘આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે. આગામી દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે. મહત્તમ તાપમાન 32થી 35 ડિગ્રીનું કેટલાક જિલ્લાઓમાં રહેશે.’
તાપમાનના પારા વિશે માહિતી આપતા તેઓ કહે છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગાંધીનગર 16.01 ડિગ્રી સાથે ઠંડુંગાર બની ગયું છે. પાલનપુરમાં 16 ડિગ્રી તો ડીસામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયું છે.
નલિયામાં સમગ્ર રાજ્યમાં સૌથી ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સાથે ઠંડુગાર બની ગયું છે. રાજકોટમાં 18.4 ડિગ્રી, ભાવનગરમાં 19.3 ડિગ્રી, સુરતમાં 20.7 ડિગ્રી અને વડોદરામાં 17.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.