બનાસકાંઠામાં કમોસમી વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
અમદાવાદઃ છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે આ મામલે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, હિમાલયથી ઉત્તર-પૂર્વના પવનો શરૂ થશે. તેના કારણે ઠંડીમાં વધારો થશે.
હવામાન વિભાગે ઠંડી વધવાની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, 22મી 26 ફેબ્રુઆરી સુધી ઠંડીનો છેલ્લો રાઉન્ડ હશે. હિમાલયથી આવતા ઉત્તર-પૂર્વ તરફથી આવતા ઠંડા પવનો શરૂ થશે. તેને કારણે વાતાવરણના તાપમાનમાં 6થી 7 ડિગ્રી સુધી પારો ગગડે તેવી શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી તો ન્યૂનતમ તાપમાન 20.4 ડિગ્રી રહે તેવી શક્યતા છે.
અરવલ્લીમાં વાદળછાયું વાતાવરણ
બીજી તરફ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઘઉં, બટાકા, વરિયાળી, જીરુના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બે દિવસની ભારે ગરમી બાદ આજે ઠંડા પવનો ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે.
બનાસકાંઠામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ
બનાસકાંઠાના થરાદ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, લાખણીમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો. નોંધનીય છે કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાય તેની ભીતિ છે. રાયડો, એરંડા, ઘઉં, જીરુ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવા એંધાણ છે.