November 25, 2024

ગુજરાતીઓ સાવધાન! છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, હવામાન વિભાગની મોટી આગાહી

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે કે, આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગમાં નવી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યુ છે કે, આગામી 6 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ ઉપરાંત 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જશે. ચોમાસાની શરૂઆતમાં જ ગાજવીજ સાથે ધમધોકાર વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે.

આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ છે. રાજ્યના 23 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના ત્રણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમાં સૌથી વધુ સંતરામપુર તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. ત્યારે મોરવા હડફ તાલુકામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો અને ગાંધીનગરના કલોલમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.