November 23, 2024

કમોસમી વરસાદથી મોટા પ્રમાણમાં નુકસાન, ક્યાંક વૃક્ષ ધરાશાયી તો ક્યાંક પાણી ભરાયું

સુરતઃ ગઈકાલે ગુજરાતમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અને અચાનક જ વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ઘણી જગ્યાએ વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા. તો ઘણી જગ્યાએ પાણી ભરાવવાની ઘટના બની હતી.

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. માંગરોળ, ઓલપાડમાં અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના બની છે. ઓલપાડના શોદામીઠાથી ભટગામ જતા રસ્તા પર વૃક્ષ પડતા માર્ગ બંધ થઈ ગયો હતો અને અવરજવર કરતા વટેમાર્ગુઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ, સુરતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદથી વૃક્ષ પડવાની ઘટના બની હતી. શહેરમાં અલગ અલગ સ્થળોએ કુલ 18 જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. ફાયર વિભાગની ટીમે અનેક સ્થળોએ વૃક્ષો ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પાણી ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે પડેલા થોડા વરસાદમાં જ બોપલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ પડ્યાંના 10 કલાક બાદ પણ હજુ પાણી ઓસર્યું નથી. બોપલના માનસી એન્કલેવ નજીક પાણી ભરાઈ ગયું છે. લોકો પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે ત્યાં રહેતા સ્થાનિકો પણ આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. તેઓ કહે છે કે, ‘છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારની સમસ્યા છે. સામાન્ય વરસાદમાં જ આટલું પાણી ભરાયું છે, ચોમાસામાં તો કમર સુધી પાણી ભરાય છે.’

ગઈકાલે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. સૂકવવા મૂકેલા ડાંગરનો પાક વરસાદમાં પલડ્યો છે. જેને લઈને ખેડૂતોએ સર્વે કરી સહાયની માગ કરી છે.