September 20, 2024

GU અંતર્ગત આવતી કોલેજ પર NSUIનો આક્ષેપ, રિઝર્વ બેઠક વગર વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યાં

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં ચાલતી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ચાલી રહી છે. જેમાં બીબીએ-બીસીએ અને કોમર્સ કોલેજોએ અનામતની બેઠક રિઝર્વ રાખ્યા વગર તમામ બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દીધો છે. જેને લઇને ભારે વિવાદ ઉભો થયો છે.

યુનિવર્સિટી દ્વારા તમામ બીબીએ અને બીસીએ કોલેજના સંચાલકોને મેસેજ કરીને આ પ્રકારની કાર્યવાહી કરવા બદલ ખુલાસો માગ્યો છે. કોલેજ ઇન્ટ્રાસે મેરીટને આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો હતો અને રિઝર્વ કેટેગરીમાં વિદ્યાર્થીઓને સૂચના ના મળે ત્યાં સુધી એડમિશન રિઝર્વ રાખવાના હતા. પરંતુ કોલેજ તેમ ન કરતી હોવાથી તમામ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. જેને લઈને યુનિવર્સિટીએ તમામ કોલેજ પાસે આ અંગે ખુલાસો માગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ભરતીથી અનામત વિધાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. NSUIએ આક્ષેપ કર્યો છે કે, ખાનગી કોલેજ યુનિવર્સિટીનાં નિયમોનું પાલન નથી કરી રહી અને તેને કારણે અનામતના વિધાર્થીઓ એડમિશનથી વંચિત રહે છે. કોલેજોએ અનામત કેટેગરી સીટ રિઝર્વ રાખવાની હોય છે. પરંતુ કોલેજ દ્વારા તેનો અમલ ન થતાં તેની ફરિયાદ કરવામાં આવતા યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજ પાસે ડેટા માગવામાં આવ્યો છે.