ગુજરાત યુનિવર્સિટી 73મો પદવીદાન સમારોહ, શ્રેયાંશી પઢેરિયા 11 ગોલ્ડ મેડલ સાથે અવ્વલ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે 73મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 46 હજારથી વધુ વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ વિદ્યાર્થીઓને એક ભારતીય તરીકે પાંચ ચીજ વસ્તુ પર સન્માન અને ગર્વ કરવા માટે આહ્વાન કર્યું હતું. વૈંકયા નાયડુએ જણાવ્યું હતું કે, આપણા માતા-પિતા, માતૃભુમિ, દેશ અને માતૃભાષા પર આપણે ગર્વ લેવો જોઈએ. માતૃભાષા બાદ આપણે અન્ય ભાષાઓ પર ગર્વ કરવો જોઈએ. આ સાથે સાથે તેમણે વિશ્વના સૌથી મોટા લોકતંત્ર પાર્લામેન્ટમાં અનેક લોકો પોતાનું વજન બતાવવાની કોશિશ કરતા હોય છે તે અંગે પણ ટિપ્પણી કરી હતી. પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના 46131 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં 240 વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ મેડલ લો વિદ્યાશાખાની વિદ્યાર્થિનીને ફાળે ગયા હતા. શ્રેયાંશી પઢેરિયાએ 11 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી રૂષિકેશ પટેલ, પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત આવીને તેઓ ખુશ છે પરંતુ ગુજરાતી ન આવડવાનો તેમને અફસોસ છે. તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ‘મા’ જેવો સુંદર શબ્દ વિશ્વમાં બીજો નથી માતૃભાષા અંગે પણ તેમણે જણાવ્યું હતું કે, પરિવાર અને પોતાના મિત્રો સાથે ફક્ત માતૃભાષામાં વાત કરો અને દાદા-દાદી સાથે પણ સમય વિતાવો એની સાથે સંવાદ કરો. પોતાના અનુભવ વિષે જણાવતા તેઓ કહે છે કે, તેઓ 13 મહિનાના હતા ત્યારે તેમણે માતાને ગુમાવ્યા હતા અને તેમનો ઉછેર તેમના દાદા-દાદીએ કર્યો હતો. તેમના અનુભવોને કારણે તેઓ દેશના બીજા સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે. યુવાઓને આહ્વાન કરતા જણાવ્યું હતુ કે, સૂર્યોદય પહેલા ઉઠો અને સૂર્યાસ્ત પહેલાં તમામ પૂર્ણ કરો. આ સાથે શરીરને ચુસ્ત રાખવા માટે કસરત પણ કરો અને પીઝા અને બર્ગર જેવા ફાસ્ટ ફૂડથી પણ બચો અને હેલ્થી ખાવાનું ખાવા જણાવ્યું હતું. કોરોનામાં પોઝિટિવ શબ્દ ખરાબ હતો, પરંતુ જીવનમાં પોઝિટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. કોરોના સમયમાં ભારતે અનેક દેશોને વેક્સિન પહોંચાડી હતી. જેથી સમજી શકાય છે કે, ભારત અન્ય દેશો કરતાં કેટલું આગળ અને અન્ય માટે કામ કરી રહ્યું છે, તેને યુવાઓએ પણ દેશ માટે કંઈક કરી છૂટવા માટે જણાવ્યું હતું.
નરેન્દ્ર મોદી વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, યોગાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્તર પર પહોંચાડ્યું છે. યોગાએ કોઈ ધર્મ માટે નહીં, પરંતુ સૌના માટે છે. શિક્ષા પણ એટલી જરૂરી છે, પરંતુ સારા સંસ્કાર વગર શિક્ષા પણ બેકાર છે. તેમણે જણાવ્યું કે, સારું કામ કરશો તો વિશ્વ આપણને આપણે નહીં હોઈએ તો પણ યાદ કરશે. આજના સમયમાં વાલીઓ બાળકોને ફોન વાપરવા માટે આપતા હોય છે, જેને લઇને પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યુ હતુ કે, સેલ ફોને હેલ ફોન બની જશે જેથી તેનો ઉપયોગ મર્યાદિત કરવો જોઇએ.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જણાવ્યું હતું કે, આપણું લોકતંત્ર એ વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે, પરંતુ પાર્લામેન્ટમાં અમુક લોકો વજન દર્શાવવાના પ્રયાસ કરે છ, જે જરૂરી નથી. સદનની અંદર આપણે આપણી વાતો રાખીએ ચર્ચાઓ કરીએ. કારણ કે, જનતાને આપણને અહીં સુધી મોકલ્યા છે અને તેમનું સન્માન કરવું પણ જરૂરી છે. કાલે તમે પણ એમને પીએમ પણ બની શકો છો, પરંતુ આપે તેના માટે મહેનત કરવી પડશે. આપણા જ્ઞાનની ક્ષમતાની આજે પૂરા વિશ્વ અને જરૂર છે. અમારા સમયમાં સ્ટાર્ટઅપ ન હતા. આજે સરકાર સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહિત કરી રહી છે અને તમામ પ્રકારની મદદ પણ કરવામાં આવી રહી છે
શ્રેયાંશી પઢેરિયાએ જણાવ્યું હતું કે, 11 ગોલ્ડ મેડલ મળ્યા છે જે માટે તેમણે ખૂબ જ મહેનત કરી હતી. પરંતુ મારા માતાની મહેનત પર મારા કરતાં વધુ હોવાનું તેણીએ જણાવ્યું હતું. લો ફેકલ્ટીમાં કેસ લોના નામ યાદ રાખવા ખૂબ જ અઘરા હોય છે, પરંતુ તેની માતાની મદદથી તે યાદ કરી શકી છે, આ મુકામ પર પહોચી છે. એલએ શાહ કોલેજમાંથી એલએલબીનો અભ્યાસ કરનાર શ્રેયાંશી હાલમાં એલએલબીનો અભ્યાસ કરે છે અને આગામી સમયમાં તેની ઇચ્છા પીએચડી કરવાની છે.