ગુજરાત યુનિવર્સિટીની 34 કોલેજમાં BS કોર્ષ શરૂ કરવામાં આવશે
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે આ વર્ષથી GCAS પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. તે માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ એડમિશન માટે GCAS પર રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. તે માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત આ વર્ષથી ગુજરાત યુનિવર્સિટીમાં 34 કોલેજમાં BS કોર્ષ પણ શરૂ થશે જે ચાર વર્ષનો હશે.
બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસી સહિતના 100થી વધુ કોર્ષ હવે BS તરીકે ઓફર કરવામાં આવશે. નવી એજ્યુકેશન પોલિસી હેઠળ BS સાથે કોર્ષ ચલાવવામાં આવશે. અત્યારે ત્રણ વર્ષના કોર્ષ ચાલી રહ્યા છે, પરંતુ BS સાથે ચાર વર્ષના કોર્ષ ચલાવવામાં આવશે. આ કોર્ષ કરવાથી વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મેળવી શકશે. ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ UGના તમામ કોર્ષ BS સાથે કરી શકશે. વિદ્યાર્થી 4 વર્ષ પૂર્ણ કરે એટલે BS ગ્રેજ્યુએશનની ડિગ્રી આપવામાં આવશે. જેને આધારે વિદ્યાર્થીઓ સીધા જ PHD માટે અરજી કરી શકશે.
આ પણ વાંચોઃ નર્મદા કિનારે વસતું આ ગામ પાણીથી તરસ્યું! તંત્રના આંખ આડા કાન
ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા બાદ કોલેજ દીઠ મેરીટ બનશે. BSમાં UGના કોર્ષ ચાલશે જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા ઈચ્છતા હોય તે ચોઈઝ પસંદ કરી શકશે. યુનિવર્સિટી સંલગ્ન અલગ અલગ 34 કોલેજને BSનો કોર્ષ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન સાથે BSનો વિકલ્પ પણ પસંદ કરી શકશે.