December 17, 2024

સ્ટેટ ટેબલ ટેનિસમાં સુરત ખાતે સ્થાનિક ખેલાડી ક્રિત્વિકા ફેવરિટ

ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને ટેબલ ટેનિસ એસોસિયેશના ઓફ સુરતના ઉપક્રમે 20થી 23મી જૂન દરમિયાન યોજાનારી તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં મેન્સ કેટેગરીમાં રાજ્યનો અવ્વલ ક્રમનો પ્રથમ માદલાણી સૌનું ધ્યાન આકર્ષિત કરશે. વડોદરાના પ્રથમ માદલાણીને અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટના કપરા પડકારનો સામનો કરવો પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

દરમિયાન વિમેન્સ ડ્રોમાં અવ્વલગ ગણાતી ઓઇશિકી જોઆરદારની ગેરહાજરીમાં સ્થાનિક ખેલાડી ક્રિત્વિકા સિંહા રોય રમશે. ઓઇશિકીએ આ ટુર્નામેન્ટમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. જો કે, ભાવનગરમાં યોજાયેલી સ્ટેટ રેન્કિંગમાં વિજેતા બનેલી ક્રિત્વિકા રોયને આ વખતે સુરતની જ અને અવ્વલ ગણાતી ફિલઝાહ ફાતીમા કાદરીનો મુકાબલો કરવાનો રહેશે.

ટાઇટલ માટે અન્ય ખેલાડીઓ પણ દાવેદાર છે. જેમાં ફ્રેનાઝ છિપીયા અને આયુષ તન્નાનો સમાવેશ થાય છે. કારણ કે, આ બંને ખેલાડી પણ સ્થાનિક પ્રેક્ષકો સામે શાનદાર દેખાવ કરવાનો પ્રયત્ન કરશે. જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આ ટુર્નામેન્ટ માટે અમને 653 એન્ટ્રી મળી છે. ટુર્નામેન્ટ સરળતાથી યોજાય તેવી અમે ખાતરી આપીએ છીએ.’