ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી, મતદારયાદી સુધારણાને લઈને સંચાલકો લાલઘૂમ
આશુતોષ ઉપાધ્યાય, ગુજરાતઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણી આગામી સપ્ટેમ્બર માસમાં યોજાશે. ત્યારે મતદારયાદી સુધારણાને લઇને સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મતદારયાદીમાં સુધારણામાં નવા નામ ઉમેરવાના ન હોવાને કારણે સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સંચાલકોએ દાવો કર્યો છે કે, નવા નામ ઉમેરવામાં નહીં આવે તો મંડળ હાઇકોર્ટમાં જઈ શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક બોર્ડની ચૂંટણી દર 3 વર્ષે યોજવામાં આવે છે. પહેલાં 28 જેટલી બેઠક પર ચૂંટણી યોજાતી હતી. પરંતુ સરકાર દ્વારા તે ઘટાડીને 9 કરી દેવામાં આવી છે. ત્યારે આ ચૂંટણી આગામી સપ્ટેમ્બર માસમાં યોજાશે અને તે માટે સરકાર દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. મતદારયાદી સુધારણા અંગે ચૂંટણી અધિકારી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે પરંતુ જે રીતે નિયમોનું અર્થઘટન કરવામાં આવ્યું છે તેનાથી સંચાલકો નારાજ છે.
ન્યુઝ કેપિટલ સાથેની વાતચીમાં શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતુ કે, જે રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેનાથી ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ચૂંટણી નહીં લડી શકે. ચૂંટણી અધિકારી દ્વારા મતદારયાદી સુધારણામાં નામમાં ભૂલ હશે, ઉપરાંત નાના મોટા સુધારણા હશે તો જ તે સુધારી દેવામાં આવશે, તેમ જણાવ્યું છે. આ યાદીમા નવા નામ ઉમેરવામાં નથી આવે. પરંતુ જ્યારે સુધારણા કાર્યક્રમ ચાલતો હોય ત્યારે વિધાનસભાથી લઇને લોકસભાની ચુંટણીમાં મતદાર યાદીમાં નામ ઉમેરી જ શકાય છે તો શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં કેમ નહી.
શિક્ષણ બોર્ડના એક્ટમાં ધી રિપ્રિઝન્ટેટીવ ઓફ સ્કુલ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનું અર્થઘટન જ ચુંટણી અધિકારી દ્વારા ખોટું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સંચાલક મંડળે કર્યો છે. મંડળનું કહેવું છે કે, વોટ આપવા માટે ટ્રસ્ટી હોવું જરૂરી નથી. નિયમોમાં જો સુધારો નહીં થાય તો અનેક શાળાના આચાર્યો અને શિક્ષકો વોટ આપવાથી બાકાત રહી જશે. જે મતદારયાદી જાહેર કરવામાં આવી છે તેમાં સાત હજારથી વધુ લોકોના નામ ગાયબ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.