November 22, 2024

ગુજરાતીઓને મળશે વરસાદથી આંશિક રાહત, હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ, આજે એટલે કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાઓને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ, હાલમાં ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે જેને કારણે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે. પરંતુ, વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતા છે. 24 કલાક બાદ હજુ પણ વરસાદની તીવ્રતા ઘટી શકે છે. ત્યારે, ફક્ત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તથા કચ્છના કેટલાક વિસ્તારમાં હળવા થી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે, આગામી 5 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા છુટાછવાયા વરસાદી ઝાપટા થઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા ઉત્તર ગુજરાતના ભાગ ઉપર મોન્સૂન ટ્રફની અસર રહેશે. જ્યારે, 22 ડિગ્રી ઉત્તરમાં શિયાળ ઝોન સક્રિય છે. જેને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં આજે વરસાદી માહોલ રહેશે. તેમજ, આગામી 24 કલાક બાદ એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમનું જળસ્તર 134.55 મીટરે પહોંચી, 15 દરવાજા ખોલાયા

તદુપરાંત અમદાવાદ તથા ગાંધીનગરમાં આગામી 5 દિવસ દરમિયાન હળવા છુટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે. વરસાદમાં ઘટાડો થવાથી વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ વધી શકે છે. જો કે, વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળો છવાયેલા હોવાથી ભેજ અને ગરમ હોવાનું પ્રમાણ વધતાં શહેરીજનોને બફારાનો અનુભવ થશે.