8 જિલ્લામાં વરસાદની આગાહી, મધ્ય-દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે
અમદાવાદઃ રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. દાહોદ, છોટા ઉદેપુર, મહિસાગર, નર્મદા, સુરત, નવસારી જિલ્લામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં ન જવા માટે સૂચના પણ આપી છે.
અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ
અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ માઝા મૂકી છે. જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા, લોઠપુર, વઢેરા, કડીયાળી ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી વરસાદ કોસ્ટલ બેલ્ટ પંથકને મેઘરાજા ઘમરોળી રહ્યા છે.
ગીર-સોમનાથ પંથકમાં ધોધમાર વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર-ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉના શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર કેસરિયા, ખાપટ, વડલીયાળાી વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદ વરસે છે. ગીર ગઢડાના કોદીયા જરગલી ધોકડવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. થોડા દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના 3 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 74 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં સવા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના તલોદ તાલુકામાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના લોધિકામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે.