September 29, 2024

24 કલાકમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 24 કલાક કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

રાજ્યના અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.

24 કલાકમાં સૌથી વધુ વરસાદ મહુવામાં
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં 57 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભાવનગરના ઉમરાળામાં 4 ઈંચ વરસાદ, ભાવનગરના વલભીપુર અને જેસરમાં 3.5 ઈંચ વરસાદ, ભાવનગરના પાલીતાણાામાં 3 ઈંચ વરસાદ અને બોટાદના ગઢડામાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં ફરીવાર પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 17 ફૂટ પર છે. ત્યારે તંત્રએ તમામ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. 2-5 ઇંચ વરસાદ પડે તો વિશ્વામિત્રી ભયજનક સપાટીએ પહોંચે તેવી શક્યતા છે. હાલ શહેરમાં કોઇએ ગભરાવવાની જરૂર નથી.