ગુજરાતને બે મહાનગરપાલિકાની ભેટ, નડિયાદ-પોરબંદર હવેથી ‘મનપા’

નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી
ગાંધીનગરઃ ગુજરાત હરણફાળ વિકાસ કરી રહ્યું છે. ત્યારે રાજ્યને વધુ બે મહાનગરપાલિકાની ભેટ આપવામાં આવી છે. નડિયાદ અને પોરબંદર નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની ગઈ છે.
ગુજરાત સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ધારાસભ્ય પંકજ દેસાઈની રજૂઆતને ધ્યાનમાં રાખીને નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી ખાસ તબક્કામાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે પંકજ દેસાઈએ ગૃહમાં નાણામંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ બજેટમાં ગુજરાતના અનેક શહેરોને મહાનગરપાલિકાની ભેટ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા બનતા હવે નડિયાદ અને પોરબંદરમાં વિકાસના દ્વાર ખૂલશે.
રાજ્ય સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી હતી
અગાઉ ગુજરાત સરકારે બજેટમાં રાજ્યને 7 નવી મહાનગરપાલિકાની ભેટ આપી હતી. જેમાં મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી.