June 30, 2024

રાજ્યના 15 હજારથી વધુ શિક્ષકોનો વિરોધ, માસ CL પર ઉતર્યા

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ‘સૌ ભણે.. સૌ આગળ વધે’ના નારા સાથે સરકાર આગળ વધી રહી છે. આગળ તો ત્યારે વધશે ને, જ્યારે શાળાઓમાં શિક્ષકો હશે અને બાળકો અભ્યાસ કરશે. પરંતુ રાજ્યમાં એવી સ્થિતિ છે, જ્યાં 75 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને તેને જ કારણે હવે દિવસેને દિવસે વિરોધ વધી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના 15 હજારથી વધુ શિક્ષકો માસ સીએલ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્યમાં કાયમી શિક્ષક બનવા માટે ટેટ-ટાટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા તો લેવામાં આવે છે, ભરતી કરવામાં નથી આવતી. રાજ્યમાં પ્રવાસી શિક્ષકની નીતિ વર્ષ 2023-24માં નાબૂદ કરી જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી. જેમાં શિક્ષકોને અન્યાય થઈ રહ્યો હોય તેવી બૂમરાડ મચી છે. શિક્ષકોની માગ છે કે, તેમની કાયમી ભરતી કરવામાં આવે. ગત 18મી જૂનના રોજ ગાંધીનગરમાં ઉમેદવારોએ કાયમી શિક્ષકોની પડતીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સરકારે 7500 જગ્યાઓ ભરવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ કુલ મહેકમના 10% પણ ન હોવાનો આક્ષેપ જ્ઞાન સહાયકો કરી રહ્યા છે.

ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જ્ઞાન સહાયકોએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં 78,000થી પણ વધુ ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરેલા ઉમેદવારો છે અને તે ભરતીની રાહ જોઈને બેઠા છે. જ્યારે સરકાર દ્વારા ફક્ત 10%થી પણ ઓછા એવા 7500ની જાહેરાત કરી છે, તે ખૂબ જ ઓછી છે. સરકારે ગત વર્ષે 32 હજાર જ્ઞાન સહાયકોની પડતી કરી હતી. ત્યારે એટલી તો જગ્યાઓ માટે સરકારે જાહેરાત કરવી જોઈતી હતી. સરકારની જાહેરાત એક લોલીપોપ સમાન છે. સરકાર ઈચ્છી રહી છે કે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થાય સરકારની આ પ્રકારની નીતિઓથી અમારા માતા પિતાઓના સપના રોળાયાં છે. કરાર આધારિત શિક્ષક બનવાથી શું વેદના થાય તે સરકાર સમજવું જોઈએ.

કાયમી શિક્ષક ન બનવાને કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાનો પણ આક્રોશ પણ જ્ઞાન સહાયકોએ વ્યક્ત કર્યો હતો. કાયમી શિક્ષકને જ્યાં 50000 રૂપિયાથી પણ વધુ પગાર મળે છે. ત્યાં જ્ઞાન સહાયકોને 24 હજાર રૂપિયામાં રાખવામાં આવ્યા છે. આટલા પગારથી ઘર ચલાવવું પણ મુશ્કેલ થઈ પડે છે, તો બીજી તરફ યુવા શિક્ષકોને છોકરી કોણ આપે તે પણ એક પ્રશ્ન છે. કામે શિક્ષકો જેટલું જ કામ જ્ઞાન સહાયકો કરી રહ્યા છે, તેમ છતાં પણ તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો બિહાર અને રાજસ્થાનમાં તો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરી દેવામાં આવી છે. જ્યારે ગુજરાત મોડલ સમગ્ર દેશમાં મોખરે છે. ત્યાં શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે. બિહારની વાત કરવામાં આવે તો ધોરણ એકથી પાંચમાં 79,943 શિક્ષકોની ભરતી, ધોરણ 9 અને 10માં 32,916 શિક્ષકોની ભરતી અને ધોરણ 11 અને 12માં 5762 શિક્ષકોની ભરતી કરી છે. બીજી તરફ રાજસ્થાનમાં માધ્યમિકમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 26,000 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર રાજ્ય પાસેથી શીખ લઈ મોટી સંખ્યામાં પડતી કરે તેવી માગ શિક્ષકો કરી રહ્યા છે.