15 દિવસથી દીકરીઓ રઝળે છે, ભાજપના ભીષ્મ-દ્રૌણ મૌન, મહાભારત થશેઃ પરેશ ધાનાણી
અમરેલીઃ લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે. ત્યારે ગુજરાતમાં અલગ જ રંગ જોવા મળી રહ્યો છે. હવે કોંગ્રેસ પણ રૂપાલા મામલે ભાજપની સામે આવી ગયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાની મોટી જાહેરાત બાદ હવે ભાજપ ચારેબાજુથી ઘેરાય ગયો હોય તેવું લાગે છે. એકબાજુ ક્ષત્રિય સમાજ, બીજી બાજુ કોંગ્રેસે ભાજપ પર સકંજો કસ્યો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરાએ મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ હવે જ્ઞાતિગત સમીકરણ સેટ કરવા માટે મથી રહી છે. રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો, આ બેઠક પર લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ રહેલું છે. ત્યારે પરેશ ધાનાણીને જો મેદાને ઉતારવામાં આવે તો રાજકોટ સીટ પર ભાજપનું પત્તુ કપાય તેવી શક્યતા છે. ત્યારે હવે આ મામલે લલિત કગથરાએ નિવેદન આપીને બળતામાં ઘી હોમ્યું છે. લલિત કગથરા જણાવે છે કે, ‘ન કરે નારાયણ, કોઈપણ સંજોગોમાં જો પરશોત્તમભાઈની ટિકિટ બદલે તો પરેશભાઈએ નહીં લડવાનું. અમે છૂટ આપીએ છીએ.’
આ પણ વાંચોઃ કોંગ્રેસના દિગ્ગજ નેતાનું મોટું નિવેદન, કહ્યું – રૂપાલાની ટિકિટ ન બદલી તો…
નવીન મહાભારતના મંડાણ થશેઃ ધાનાણી
આ અંગે પરેશ ધાનાણી કહે છે કે, ‘ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓ 15 દિવસથી રસ્તે રઝળી રહી છે. તે છતાં ચૂપચાપ ભાજપ જોઈ રહ્યો છે. તેના ભીષ્મ પિતામહ કહો કે ગુરુ દ્રૌણ કહો, હજુ સુધી મૌન છે. તેમને વિનંતી કરું છું, ચેતવણી આપું છું કે તમે મૌન તોડો. હવે જો તમે ચૂપ રહેશો તો નવીન મહાભારતના મંડાણ જરૂર થવાના છે.’
આ પણ વાંચોઃ રાજ શેખાવતની એરપોર્ટ પરથી અટકાયત, સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં લઈ જવાયા
વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
પરશોત્તમ રૂપાલાએ રૂખી સમાજની એક જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે, ‘ક્ષત્રિયોએ અંગ્રેજો સાથે રોટી-બેટીના વ્યવહાર કર્યા.’ત્યારબાદ ખૂબ ઝડપથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ક્ષત્રિય સમાજે આ નિવેદનને વખોડી કાઢ્યું હતું. આ સાથે જ તેમણે પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ભાજપે આ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો નહોતો. આ નિવેદન આપ્યાની 30 મિનિટમાં જ રૂપાલાનો માફી માગતો વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મિટિંગમાં પણ માફી માગી હતી. છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહોતો. તેમની એક જ માગ રહી છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે.
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી કહે છે કે, ‘સ્વાભિમાનના રક્ષણની લડાઈ છે. દીકરીઓના દામનને દાગ લગાડ્યો એને સબક શીખવાડવાની લડાઈ છે. અહંકારી નેતાઓએ પીઠેહઠ ન કરી તો ભારતના આ રણમેદાનમાં અર્જુન આવી રહ્યા છે.’