July 2, 2024

સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકનું સરવૈયું, જાણો કયા મતદારો નિર્ણાયક બને છે

gujarat lok sabha election 2024 sabarkantha aravalli lok sabha seat all details

સાબરકાંઠા લોકસભા બેઠક

પાર્થ ભટ્ટ, સાબરકાંઠાઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આજે વાત કરીએ સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક વિશે. સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાની થઈને કુલ સાત વિધાનસભા આવેલી છે.જેમાં ભિલોડા, બાયડ, મોડાસા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઇડર અને હિંમતનગરનો સમાવેશ થાય છે.

સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ પ્રોફાઈલ

  • સાબરકાંઠા જિલ્લાનો વિસ્તાર – 5390 ચોરસ કિલોમીટર
  • જિલ્લાના કુલ 712 ગામ છે
  • જિલ્લામાં 436 ગ્રામ પંચાયતો છે
  • જિલ્લાની વસ્તી – 2011ની ગણતરી મુજબ 14,73,673
  • ગ્રામ્ય વસ્તી- 1166133
  • શહેરી વસ્તી- 237158
  • સાક્ષરતા દર- 74.19
  • સાબરકાંઠા બેઠકમાં કુલ આઠ નગરપાલિકાઃ ખેડબ્રહ્મા, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડાલી, મોડાસા અને બાયડ
  • મુખ્ય મથકઃ સાબરકાંઠાનું હિંમતનગર અને અરવલ્લીનું મોડાસા

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી

સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠકમાં કુલ 14 તાલુકા આવેલા છે. જેમાં પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, ધનસુરા, મેઘરજ, બાયડ, માલપુર તાલુકા આવેલા છે.

  • બંને જિલ્લામાં લેવામાં આવતા પાકઃ ઘઉં, મગફળી, કપાસ, ચણા, બટકા, શાકભાજી, ફળો
  • બંને જિલ્લામાં આવેલી નદીઓઃ સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, હરણાવ, ગૌવાવ
  • બંને જિલ્લામાં આવેલા પર્વતોઃ અરવલ્લીની ગીરીમાળા
  • બંને જિલ્લામાં વિકસેલા ઉદ્યોગોઃ સિરામિક, ઈડર માઈન્સ તેમજ ધનસુરા વડગામ ક્વોરી ઉદ્યોગ
  • બંને જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળોઃ પોળો ફોરેસ્ટ, ઈડર ગઢ, અંબાજી માતાજી મંદિર ખેડબ્રહ્મા, વિરાંજલી વન, પૂંસરી ગામ યાત્રાધામ શામળાજી

બંને જિલ્લાના મતદારોનું લિસ્ટ

અરવલ્લી જિલ્લો – 8,39,325
પુરુષઃ 4,27,141
મહિલાઃ 4,12,162
અન્યઃ 22

સાબરકાંઠા – 11,27,291
પુરુષઃ 5,74,490
મહિલાઃ 5,52,755
અન્યઃ 46

બંને જિલ્લાના કુલ મતદારો – 19,66,616

આ પણ વાંચોઃ દાહોદની લોકસભા બેઠકનું સરવૈયું, છેલ્લી બે લોકસભા બેઠકમાં નોટામાં હજારો મત

કયા મતદારો નિર્ણાયક સાબિત થાય છે?
ખેડબ્રહ્મા વિધાનસભામાં આદીવાસી મતદારો, પ્રાંતિજ વિધાસભામાં ઠાકોર અને પટેલ મતદારો, ઈડર વિધાનસભામાં એસસી અને પાટીદારો, હિંમતનગર વિધાનસભામાં ઠાકોર અને પાટીદાર મતદારો, એકંદરે જોવા જઈએ તો જિલ્લામાં ઠાકોર અને પાટીદાર મતદારો નિર્ણાયક છે. જિલ્લામાં મોટાભાગે સૌથી વધુ વસતિ ઠાકોર સમાજની, બીજા નંબરે પાટીદાર અને અન્ય ઓબીસી આવે છે એટલે ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ સહિત દલિત સમાજ પણ ભાગ ભજવે છે. જ્યારે ભિલોડા બેઠક ઉપર આદિવાસી, બાયડ ઉપર ઠાકોર અને મોડાસા ઠાકોર સમાજના મતદારો પ્રભુત્વ ધરાવે છે.

જિલ્લાની વિવિધ સમસ્યા
યુવાનોની રોજગારી, ઈડર બાયપાસ રોડ, ટ્રાફિક સમસ્યા, સિંચાઈ માટેના પાણીની હાલની સમસ્યા, ઈડર ગઢનું ખનન, અરવલ્લી જિલ્લામાં મોડાસા અને બાયડ ટ્રાફિક સમસ્યા, મેઘરાજ ભિલોડામાં પીવાના પાણી અને સિંચાઈ પ્રશ્ન રસ્તાઓ પણ

સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરના પોળોના જંગલથી ઓળખાય છે. અરવલ્લી જિલ્લો અરવલ્લીની ગિરિમાળા અને યાત્રાધામ શામળાજી મંદિરથી ઓળખાય છે. આ વિસ્તારને મીની કાશ્મીર પણ કહેવામાં આવે છે. તો અહીં પ્રાચી0ન જૈન મંદિરો, વિરેશ્વર-સારણેશ્વર મહાદેવના અતિપ્રાચીન શિવાલયો પણ આવેલા છે.

યાત્રાધામ શામળાજી

અરવલ્લી જિલ્લામાં આવેલું યાત્રાધામ શામળાજી ભગવાન શામળિયાનું તીર્થધામ છે. જ્યાં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન કાળીયાઠાકોરના દર્શન કરી ધન્યતાની સાથે માનતા આખડી પૂરી કરે છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઈશાન ખૂણામાં આવેલું યાત્રાધામ શામળાજી ભગવાન શામળિયાનું પવિત્ર યાત્રાધામ છે. જેમાં શાક્ષાત ભગવાન વિષ્ણુ કે જે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરી ભક્તોને દર્શન આપી રહ્યા છે . આશરે 1500થી 2000 વર્ષ પ્રાચીન આ મંદિરમાં બિરાજમાન ભગવાન શામળિયાની મૂર્તિ 5.5 ફૂટ ઊંચાઈ અને શ્યામ રંગના પારેવા પથ્થરમાંથી બનેલી છે. ભગવાન સ્વયંભૂ છે અને જેથી જ આ વિસ્તારમાં ભગવાન કાળીયા ઠાકોરના નામે પ્રચલિત છે. કહેવાય છે કે, મુઘલોના આક્રમણ સમયે આ ભગવાનની મૂર્તિને નજીકમાં આવેલા કરામ્બુજ તળાવમાં દાટી દેવામાં આવી હતી અને વર્ષો જતા આ મૂર્તિ એક આદિવાસી ખેડૂતને ખેતી કરતા કરામ્બુજ તળાવમાંથી મળી આવી હતી અને ત્યારબાદ શામળાજી મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી ભગવાન શામળાજી ભક્તોની આસ્થા અને મનોકામના પૂર્ણ કરી રહ્યા છે.

આ ઉપરાંત અન્ય યાત્રાધામો પણ આવેલા છે. જેમાં રાજા હરિશ્ચંદ્રની ચોરી, શ્યામલવન, પ્રાચીન વાવ, શિવ મંદિર, મેશ્વો ડેમ, રણછોડજી મંદિર, વિશ્રામ ઘાટ. જેમાં રાજા હરિશ્ચંદ્રની ચોરી અતિ પ્રચીન માનવમાં આવે છે. આ ચોરી આગળનું તોરણ ગુજરાતમાં વડનગર બાદ બીજા ક્રમનું માનવમાં આવે છે.

ઈડરનો ગઢ પણ સાબરકાંઠા જિલ્લાનુ ગૌરવ છે. સાબરકાંઠા જિલ્લામાં વિશ્વની પ્રથમ એનિમલ હોસ્ટેલ, દેશનું પ્રથમ ડિજિટલ વિલેજ આકોદરા, ભારતનું શ્રેષ્ઠ ગામ પૂંસરી, આદર્શ ગામ દરામલી, સમગ્ર ભારત એક ગામમાં સમાયેલું હોય તેવુ વિરપુર ગામ આવેલું છે.

આ જિલ્લો ગુજરાતી પ્રખર સાહિત્યકાર પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોષીની જન્મભૂમિ પણ છે. તેમણે અહીંના ડુંગરો અને હરિયાળી પોતાની રચનામાં આલેખ્યા છે. અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી પણ સાબરકાંઠાના રહેવાસી છે અને તેમણે ઈલેક્શન લડી જીત પણ મેળવી હતી.

સાબરકાંઠામાં શ્વેતક્રાંતિ માટે સાબરડેરી પણ આવેલી છે અને અહીંથી દૂર દૂર સુધી દૂધ પહોચાડવામાં આવે છે. દિલ્હી-હરિયાણા જેવા અનેક રાજ્યોમાં દૂધ પહોંચાડવામાં આવે છે.