November 24, 2024

ગુજરાતના આ ગામોમાં એકપણ મત નથી પડ્યો, જાણો ક્યાં ક્યાં ચૂંટણીનો બહિષ્કાર

અમદાવાદઃ ગુજરાતમાં અનેક જગ્યાએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમાં સુરતના માંગરોળ તાલુકાના સણધરા ગામનો અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અરજણવાવ ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાટણ લોકસભા બેઠકમાં આવતા વડગામના ભાખરી ગામે પણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ત્યાંના લોકોએ સમસ્યાને પગલે વોટિંગ કરવાનો બહિષ્કાર કર્યો છે.

માંગરોળ તાલુકાના સણધરા ગામે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોની જૂની માગણી ન સ્વીકારતા ગ્રામલોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં વર્ષોથી રોડ, સ્મશાન, બસ સ્ટેન્ડ અને સિંચાઈના પાણીની ગ્રામજનોને તકલીફ છે. ગામ લોકોએ વારંવાર આ મામલે અધિકારીઓ અને સરપંચને રજૂઆત કરી છે. પરંતુ 2022માં સિંચાઈના પાણીની લાઇન માટે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી સિંચાઈના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. ત્યારે ગામના 320 મતદારોએ બહિષ્કાર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા અધિકારીઓ દોડતા થયા હતા.

તો બીજી તરફ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અરજણવાવ ગામે પણ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. નગરપાલિકાની ડમ્પિંગ સાઈટના વિરોધમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગામના એકપણ વ્યક્તિએ મતદાન નથી કર્યું. તંત્રએ છેલ્લે સુધી ગામના લોકોને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ગ્રામજનો તેમની માગણી પર અડગ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હાલ મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલ છે.

પાટણ લોકસભામાં આવતા વડગામના ભાખરી ગામે પણ મતદાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી એકપણ મતદાતાએ મત આપ્યો નથી. ગામમાં 350 મતદારો છે અને એક જ બૂથ છે. ગ્રામ પંચાયત વિભાજન અને રસ્તાના કામનો વિરોધ હોવાથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. વહીવટી તંત્રએ ગામલોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજેપી ઉમેદવાર ભરતસિંહ ડાભી ભાખરી ગામે પહોંચ્યા હતા. ભરતસિંહ ડાભીએ ગામલોકોને મતદાન કરવા સમજાવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ તેમના તમામ પ્રયાસ નિષ્ફળ થયા હતા.