રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં 249 બાંગ્લાદેશીઓ ઝડપાયાં, 171ને ઘરભેગા કર્યા

અમદાવાદઃ હાલ સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓ સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રાજ્યમાં રહેતા બાંગ્લાદેશીઓને ઘરભેગા કરવા માટે ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. ત્યારે છેલ્લા 6 વર્ષમાં કુલ 249 જેટલા બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે. તેમાંથી 171 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરી ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

વિગતવાર વાત કરીએ તો, 78 બાંગ્લાદેશીઓમાંથી હાલ ભુજની જેલમાં 7 બાંગ્લાદેશી તથા અમદાવાદની જેલમાં 71 બાંગ્લાદેશીઓ હાજર છે. વર્ષ 2019માં 76 બાંગ્લાદેશી ઝડપાયા હતા. જેમાંથી 72 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને 4 બાંગ્લાદેશીને ભુજ જેલમાં મોકલાયા હતા.

વર્ષ 2020માં 17 બાંગ્લાદેશી ઝડપાયા હતા. જેમાંથી 16 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવામાં આવ્યા અને 1 બાંગ્લાદેશીને અમદાવાદની જેલમાં મોકલ્યો હતો. વર્ષ 2021માં 20 બાંગ્લાદેશી ઝડપાયા હતા અને તમામને બાંગ્લાદેશ ડિપોર્ટ કર્યા હતા. વર્ષ 2022માં 23 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. જેમાંથી 19 બાંગ્લાદેશીને ડિપોર્ટ કર્યા હતા અને 3 બાંગ્લાદેશીને ભુજ તથા અન્ય 1 બાંગ્લાદેશીને અમદાવાદની જેલમાં મોકલ્યો હતો.

વર્ષ 2023માં 40 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. તેમાંથી 31 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તથા 9 બાંગ્લાદેશીને અમદાવાદની જેલમાં મોકલાયા હતા. વર્ષ 2024માં 73 બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. તેમાંથી 13 બાંગ્લાદેશીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તથા 60 બાંગ્લાદેશીઓને અમદાવાદની જેલમાં મોકલાયા હતા.