July 6, 2024

હરણી બોટકાંડના તપાસ રિપોર્ટમાં હાઇકોર્ટની ફટકાર, કહ્યુ – સ્ટોરી જેવો રિપોર્ટ છે!

અમદાવાદઃ વડોદરામાં જાન્યુઆરી મહિનામાં સર્જાયેલી હરણી બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યારે એડવોકેટ જનરલે રાજ્ય સરકાર વતી હાઇકોર્ટમાં જવાબ આપ્યા હતા.

1 ફેબ્રુઆરી, 2017માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પ્રથમ વખતનું પ્રપોસલ રદ કરવામાં આવ્યું અને બીજી વખતમાં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 ડિસેમ્બર 2015માં બીજી EOI મંગાવવામાં આવી હતી, તેના થોડા દિવસમાં 2 પ્રપોસલ આવ્યા હતા. પ્રિન્સિપાલ સેક્રેટરી દ્વારા રજૂ કરાયેલા તપાસ અહેવાલ સામે હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે.

હાઇકોર્ટે કહ્યુ છે કે, ‘તપાસ કમિટી એ રજૂ કરેલા રિપોર્ટમાં ચોક્કસાઈ નથી. એક સ્ટોરીની જેમ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રિન્સિપાલ સેક્રેટરી એવું કહેવા માંગે છે કે આમાં કઈ જ ખોટું નથી? જો આ હકીકત છે તો આખેઆખી સિસ્ટમ ફોલ્ટી છે. જો કોર્ટને રિપોર્ટ આપવામાં આવે છે તો વ્યવસ્થિત રિપોર્ટ તૈયાર કરવો જોઈએ.’

તેમણે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, ‘જુનિયર અધિકારીઓને ફસાવવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ખુદ સહી કરે છે અને ટેન્ડર માન્ય રાખે છે તો કંઈ રીતે તેનો વાંક નથી. આ રિપોર્ટ પાછો ખેંચો નહીં તો અમે સખત ઓબ્ઝર્વેશન સાથે ઓર્ડર પાસ કરીશું.’ ત્યારે હાઇકોર્ટની જોરદાર ફટકાર બાદ એડવોકેટ જનરલે તપાસ અહેવાલ પાછો ખેંચ્યો હતો.