January 9, 2025

ચાઇનીઝ વસ્તુના પ્રતિબંધ મામલે અરજીની સુનાવણી, HCએ કહ્યુ – ઉત્પાદન વિના વેચાણ શક્ય નથી

અમદાવાદઃ ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચાઇનીઝ દોરી, કાચ પાયેલા દોરા, ચાઈનીઝ તુક્કલ સામેના પ્રતિબંધને કડકપણે અમલી કરાવવા અરજી કરવામાં આવી હતી.

અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, હાઇકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રોનું પાલન નથી થતું. આ ઉપરાંત ગ્રીન ટ્રિબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે. ચાઇનીઝ દોરી સાથે નાયલોન દોરીમાં વપરાતા કાચથી પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.

આ ઉપરાંત અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દોરીમાં વપરાતા કાચથી અનેક પક્ષીઓને ઇજા થાય છે. જાહેરમાં ઘસાતી દોરીઓ અને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ મામલે તાત્કાલિક ડ્રાઇવ ચલાવવી જોઈએ.

હાઇકોર્ટે આ અરજી મામલે જણાવ્યુ છે કે, ગૃહ વિભાગે આપેલા નિર્દેશોના પાલનમાં કરાયેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવામાં આવે. ચારેય મહાનગરોમાં થયેલી કાર્યવાહીનો તત્કાલ રિપોર્ટ રજૂ કરવો. પ્રતિબંધિત વસ્તુઓના ઉત્પાદનકારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સરકારને આદેશ આપવામાં આવ્યો છે.

હાઇકોર્ટનું કહેવું છે કે, આ પ્રતિબંધિત વસ્તુઓનું ઉત્પાદન થાય છે ત્યારે વેચાય છે ને એટલે ઉત્પાદન વિના વેચાણ શક્ય નથી. તો સરકારે જવાબમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.