September 20, 2024

આવતીકાલે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર

અમદાવાદઃ આવતીકાલે ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ભારે વરસાદને પગલે સમગ્ર રાજ્યની શાળા-કોલેજ બંધ રાખવામાં આવશે.

CMની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને કારણે પરિસ્થિતિની માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી.

તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને મ્યુન્સિપલ કમશનરને સ્પષ્ટપણે જણાવ્યું કે, આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાનિ ના થાય તે હોવી જોઈએ.

તેમણે કલેક્ટરને સૂચના આપતા જણાવ્યુ હતુ કે, નદી-નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય છે, ત્યારે કોઈપણ વ્યક્તિ ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે. આ ઉપરાંત પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂ માટે પણ અગ્રતા આપવા સૂચના આપી હતી.

આ હેતુસર NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યૂ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર તેમજ 1653 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવેલું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તદ્અનુસાર સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ 63.36 મીમી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે. આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં 356 મીમી નોંધાયો છે.

સોમવારે, 26 ઓગસ્ટના સવારે 6થી 12 વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ 157 મીમી વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ 91.88 ટકા વરસાદ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી.

તદ્અનુસાર રાજ્યના 206 જળાશયોમાંથી 100% ભરાઈ ગયા હોય તેવા 59 જળાશયો છે. 72 જળાશયો હાઈ એલર્ટ પર અને 22 એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા 9 માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઈ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે. સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 88.74% એટલે કે 2,96,459 MCFT પાણીનો જથ્થો છે.