July 4, 2024

રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અન્ય જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદઃ ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. તેને લઈને અલગ અલગ જિલ્લામાં NDRFની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે.

રાજ્યના કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જૂનાગઢના વંથલીમાં 14 ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 208 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના વિસાવદરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં 11 ઇંચ, કેશોદમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા 9 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 8.5 ઇંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાપુરમાં 8 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં 7 ઇંચ, સુરતના બારડોલીમાં 7 ઇંચ, નવસારી શહેર અને જલાલપોરમાં 7 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માળિયા હાટિનામાં 6.5 ઇંચ, સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ, જૂનાગઢના ભેંસાણમાં 6 ઇંચ, સુરતના મહુવામાં 6 ઇંચ, મોરબી શહેરમાં 5.5 ઇંચ, અમરેલીના રાજુલામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે.