November 26, 2024

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, કચ્છમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગત ત્રણ દિવસોની સરખામણીએ જોર ઘટ્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચાલુ સિઝનમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 109 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં અધધ 154 ટકા કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે.

કચ્છમાં ડિપ ડિપ્રેશન સર્જાયું
કચ્છ પર ડિપ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે. ડિપ્રેશનની અસર હેઠળ કચ્છમાં ગઈકાલ રાતથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છના અનેક તાલુકાઓમાં ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. તો બીજી તરફ, નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. કુદરતી આફત સામે પહોંચી વળવા કચ્છનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા અધિકારીઓને હેડક્વાટર્સ ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ દ્વારકામાં વરસાદથી તારાજી, જામરાવલમાં ઘૂંટણસમા પાણી

ભારે વરસાદથી દ્વારકામાં તારાજી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જુ છે. વરસાદના પાણી લોકોનાં ઘરમાં ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જામરાવલમાં ઠેર ઠેર ઘૂંટણ સુધી પાણી ભરાયાં છે. કલ્યાણપુર તાલુકાના વાડી વિસ્તારમાં ચાર લોકો ફસાયા હતા. વહેલી સવારે 6.45 મિનિટે હેલિકોપ્ટર દ્વાર ચારેય લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.