ગુજરાત સરકારની પ્રવાસીઓ માટે મહત્વની જાહેરાત, સોમનાથ દર્શન, નડાબેટ-વડનગર-મોઢેરા માટે ટૂર પેકેજની કરી જાહેરાત

Ahmedabad: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો-પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજની શરૂઆત કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની અફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે. જેના પેકેજ નીચે પ્રમણે છે.

સોમનાથ દર્શન ટુર પેકેજ
તા.28મી એપ્રિલ-2024થી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવારે 6:00 કલાકે અધ્યતન એ.સી. વોલ્વો બસ ઉપડી, બપોરે 4:00 કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે.

પેકેજ વિગત: બે દિવસ/એક રાત્રિનું પેકેજ, પ્રતિ વ્યક્તિ રૂ. 4000 (સિંગલ શેરિંગ) અને રૂ. 7050(ડબલ શેરિંગ હોટેલ રૂમ સહિત).

GSRTCની અધ્યતન એ.સી. વોલ્વો બસમાં પ્રવાસ, હોટેલ રોકાણ, સોમનાથ ખાતે લાઈટ-સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનિય સ્થળો મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત. બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ.

વધારાની સુવિધા: સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટે ગાઈડની વ્યવસ્થા.

નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ (તા.26મી એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે) આ રીતે છે.

નડાબેટ સીમા દર્શન:
અમદાવાદથી સવારે 6:૦૦ કલાકે ઉપડી, બપોરે 12:30 કલાકે નડાબેટ પહોંચશે.
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. 1800.

વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર:
અમદાવાદથી સવારે 9:00 કલાકે ઉપડી, 11: 15કલાકે વડનગર અને 5:30 વાગ્યે મોઢેરા પહોંચશે.
ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ. 1100.

નડાબેટ સીમા દર્શન, વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાટકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઈટ-સાઉન્ડ શોની મુલાકાત. ગાઈડની વ્યવસ્થા.

તમામ ટુર પેકેજમાં ભોજન (લંચ, બ્રેકફાસ્ટ, ચા-પાણી, ડિનર) અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસીએ જાતે ભોગવવાનો રહેશે.

વધુ માહિતી અને એડવાન્સ ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે GSRTCની વેબસાઈટ www.gsrtc.inની મુલાકાત લો.

રાજ્ય સરકારના આ પ્રયાસથી પ્રવાસીઓને ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની દર્શન/મુલાકાતનો લાભ આરામદાયક અને ઇકોનોમી ભાવે મળશે.