ચીનમાં ફેલાયેલા જીવલેણ વાયરસને લઈને ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું કરવું અને શું ન કરવું
HMPV Virus: વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક આપી છે. હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ આ ખતરનાક વાયરસને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે.
મળતી માહિતી અનુસાર ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV) ના પ્રકોપે કહેર મચાવ્યો છે. ત્યારે DGHS, NCDC, MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા તા.૦૩/૦૧/૨૦૨૫ ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે. આ વાયરસને લઈને ગુજરાત સરકારે જણાવ્યું છે કે, હાલમાં ગુજરાતમાં માનવ મેટાન્યુમોવાઈસ (HMPV)નો કોઈ કેસ નોંધાયેલ નથી. આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર ૨૦૨૩ ની સરખામણીએ ડિસેમ્બર ૨૦૨૪માં કોઈ નોંધપાત્ર વધારો જણાયેલ નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન ક૨વા વિનંતી કરે છે.
HMPV વાયરસથી બચવા શું કરવું?
ઉધરસ-છીંક આવે ત્યારે મોઢું-નાકને રૂમાલથી ઢાંકવું.
નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં.
હાથ ધોવા સેનેટાઈઝરનો કરવો ઉપયોગ.
ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું.
ફલૂથી પીડિત લોકોથી એક હાથનું અંતર રાખવું.
તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ.
પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું.
તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
બીમારીઓ ફેલાતી અટકાવવા વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
આ પણ વાંચો: ચીનના ખતરનાક HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી, બેંગલુરુમાં 8 માસની બાળકી વાયરસથી સંક્રમિત
HMPV વાયરસથી બચવા શું ન કરવું?
જરૂર ન હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં.
લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.