ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણને TMCએ લોકસભા ચૂંટણીની ટિકિટ આપી
અમદાવાદઃ લોકસભા ચૂંટણીની ચારેબાજુ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના એક ખ્યાતનામ ક્રિકેટરને બંગાળથી લોકસભા ચૂંટણી લડવા માટે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ટિકિટ આપી છે.
ક્રિકેટર યુસુફ પઠાણને લોકસભા ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે ગુજરાતના ક્રિકેટર યુસુફ પઠાણને ટિકિટ આપી છે. બહરામપુર સીટ પરથી યુસુફ પઠાણ લોકસભાની ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, હાલ આ સીટ પરથી અધિરંજન ચૌધરી સાંસદ છે. તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 42 ઉમેદવારની યાદી જાહેર કરી છે.
ભાજપે ગુજરાતમાં 15 સીટ પર ઉમેદવાર જાહેર કર્યા
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યુ હતુ કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં 29 ફેબ્રુઆરીએ મળેલી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની લોકસભા સીટો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ગુજરાતના 10 જૂના જોગીને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે 5 નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે.