Gujarat Budget 2025: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ.6,751 કરોડની જોગવાઇ

Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું. વર્ષ 2025-26નું ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂપિયા 6751 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રિન્યુએબલ ઊર્જામાં નવીનતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપીને ઊર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. પી.એમ. સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત 40%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે.
- ગ્લોબલ RE ઇન્વેસ્ટ સમિટ-2024માં રાજ્યને રિન્યુએબલ પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા બદલ અલગ અલગ કેટેગરીમાં હાઇએસ્ટ અચિવર સ્ટેટ તરીકેનો પુરસ્કાર મળેલ છે. જે સાબિત કરે છે કે ગુજરાતે પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.
- ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રૂપિયા 2175 કરોડની જોગવાઇ.
- આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂપિયા 987 કરોડની જોગવાઇ.
- સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂપિયા 132 કરોડ અને નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે રૂપિયા 250 કરોડની જોગવાઇ.
- રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 50 કરોડની જોગવાઇ.
- રીવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે રૂપિયા 936 કરોડની જોગવાઇ.
- આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે રૂપિયા 160 કરોડની જોગવાઇ.
- મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ રૂપિયા 245 કરોડની જોગવાઇ.
- પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે રૂપિયા 103 કરોડની જોગવાઇ.
- દરિયાકાંઠાના વિસ્તારોમાં આપત્તિ પ્રતિરોધક વીજ માળખું ઊભું કરવા રૂપિયા 100 કરોડની જોગવાઇ.
- હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઇ.
- ગુજરાતમાં એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે રૂપિયા 100 કરોડની જોગવાઇ.
- રસ્તાઓના વિસ્તૃતિકરણ અથવા રસ્તાઓ પર અડચણરૂપ હયાત ટ્રાન્સમિશન લાઇન અને સંલગ્ન વીજ માળખાનું શિફ્ટિંગ/રિપ્લેસમેન્ટ કરવા માટે રૂપિયા 95 કરોડની જોગવાઇ.
- વીજળીની સલામતી અંગે જાગૃતિ ફેલાવવા, ગ્રીન એનર્જી ડેટા સેન્ટરના વિકાસ, એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન જોબ્સ માટે ક્ષમતા વિકાસ, પાયલટ પ્રોજેક્ટ, શક્યતા અધ્યયન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂપિયા 26 કરોડની જોગવાઇ.
- ગુજરાતમાં ગ્રીન ફીડર્સ પાયલટ પ્રોજેક્ટ માટે, ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સ્થાપવા અર્થે અનુકૂળ સ્થળો માટે પ્રાથમિક પરીક્ષણ હાથ ધરવા, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન માટે કોમન ટ્રાન્સમિશન કોરીડોર તથા બાયો-ફ્યુઅલ ઉદ્યોગના વિકાસ માટે રૂપિયા ૪ કરોડની જોગવાઇ.