ગુજરાતમાં BJP MLA-મંત્રીના સોશિયલ મીડિયાનાં લેખાજોખા, રિપોર્ટ જોઈ કેન્દ્રએ ખખડાવ્યાં
જયેશ ચૌહાણ, અમદાવાદઃ લોકસભા ચૂંટણી બાદ અને એવામાં પણ સીઆર પાટીલના કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સી.આર પાટીલ વધુ સમય દિલ્હીમાં રહે છે એવામાં ગુજરાતમાં બીજેપીમાં વર્ષોથી ગૂંગળામણ અનુભવી રહેલા નેતાઓનો ઉવાચ બહાર આવતો દેખાય છે. એવામાં સંગઠન સાથે સરકારની કામગીરી પણ અનેક દુર્ઘટનાઓ બાદ સવાલોના ઘેરામાં છે. ત્યારે હાલમાં દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય નેતૃત્વ સાથેની એક બેઠકમાં ગુજરાતમાં મંત્રીઓ અને ધારાસભ્યોના સોશિયલ મીડિયામાં એક્ટિવ ન હોવું અથવા તો સોશિયલ મીડિયા પોસ્ટ પર લાઇકો ન મળવાને લઇને પણ સૂચન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના સોશિયલ મીડિયા એકાઉન્ટનું મોનિટરિંગ શરૂ કર્યાના સમાચાર અમારા સૂત્રો તરફથી મળી રહ્યાં છે.
અમારા વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે, હાલમાં જ દિલ્હીમાં મળેલી એક બેઠકમાં સૂચના આપવામાં આવી હતી. ગુજરાતમાં બીજેપીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી અથવા તો નબળું પડી રહ્યું છે. મહત્વનું છે કે સરકારી યોજનાઓ, સરકારી કાર્યક્રમો અને સંગઠનના મોટા કાર્યક્રમો અથવા તો સરકારી નિર્ણયો લોકો સુધી પહોંચાડવા માટે હાલના અત્યાધુનિક ડિજિટલ જમાનામાં જરૂરી છે અને ડિજિટલયુગમાં લોકો સુધી પહોંચવા માટેનો સૌથી શ્રેષ્ઠ માર્ગ સોશિયલ મીડિયા છે. ત્યારે કેન્દ્રીય નેતૃત્વના ધ્યાન પર એ વાત પણ આવી છે કે, ગુજરાતના કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યો સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી અને એક્ટિવ છે તો પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પોસ્ટો પર ન બરાબર લાઇકો અથવા એન્ગેજમેન્ટ થઇ રહ્યું છે. જેથી આ બાબતે યોગ્ય કામગીરી કરવા સૂચન દિલ્હીથી કર્યુ છે.
દિલ્હીથી મળેલા સૂચન બાદ ગુજરાતમાં એક્શન જોવા મળ્યું હતું. ગાંધીનગરથી સૌપ્રથમ મંત્રીઓને સોશિયલ મીડિયામાં એક્ટિવ થવા અને લોકો સાથે એન્ગેજ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. મંત્રીઓને સૂચનાઓ આપવાની સાથે મંત્રીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું મોનિટરિંગ પણ શરૂ કર્યુ છે અને તે મોનિટરિંગ માટે એક વ્યક્તિને જવાબદારી પણ સોંપવામાં આવી છે.
અમારા વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હીથી મળેલી સૂચનાઓ બાદ સોશિયલ મીડિયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. એવામાં કેન્દ્રીય નેતૃત્વ તરફથી મળેલા કાર્યક્રમો અંગે મંત્રીઓ અને ધારાસભ્યોને ગાંધીનગરથી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. એક તરફ લોકસભાના પરિણામો બાદ ગુજરાતમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીનું ફોક્સ જોવા મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા અને બીજેપીની તિરંગા યાત્રા પણ એક સમયે જ ટકરાઈ હતી. ત્યારે બીજેપીના ગુજરાત સરકારના મંત્રીઓ અને ધારાસભ્યોને પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તિરંગા યાત્રા દરમિયાન 10-10 પોસ્ટ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા.
દિલ્હીના ઠપકા બાદ ગાંધીનગરથી મંત્રીઓને તો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા અને પોસ્ટ કરવા માટે કહેવાયું હતું અને તે બાબતનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ ગાંધીનગર આ મામલે કોઇ ઢીલાશ વર્તવા ન માગતું હોય તેવુ લાગી રહ્યું છે. કારણ કે, મંત્રીઓની સાથે સાથે બીજેપીના ધારાસભ્યોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના એકાઉન્ટોનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
ગુજરાતનું સોશિયલ મીડિયા નબળું પડી રહ્યું હોવાની વાત છેક દિલ્હી સુધી પહોંચી હોવાથી ગાંધીનગર દ્વારા પણ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. મંત્રીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું મોનિટરિંગ કરવા માટે એક વિશેષ વ્યક્તિને મોનિટરિંગની કામગીરી સોંપવામાં આવી હોવાની માહિતી અમારા સૂત્રો તરફથી મળી રહી છે. મંત્રીઓ અને ધારાસભ્યો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલી પોસ્ટ કરી રહ્યાં છે. એક દિવસમાં કેટલી પોસ્ટો થઈ રહી છે. પક્ષ અને સરકારની કેટલી પોસ્ટ શેર થઈ રહી છે. તે પોસ્ટ પર કેટલી લાઇક અને એન્ગેજમેન્ટ થઈ રહ્યું છે તે બાબતનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
News Capital પાસે વાત પહોંચતા જ ગુજરાતના બીજેપીના ધારાસભ્યોના સોશિયલ મીડિયા એકાઉન્ટનું સ્ક્રેનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એ વાત સામે આવી છે કે, ધારાસભ્યો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ તો કરી રહ્યાં છે પરંતુ તેમાં લાઇક અને કમેન્ટ ન બરાબર મળી રહી છે. ખાસ કરીને ફેસબુક પર એવા મોટાભાગના ધારાસભ્યો છે કે જેમની પોસ્ટ પર એવરેજ 5થી 8 લાઇક જ મળી રહી છે. કેટલાક ધારાસભ્યો તો એવા પણ અમારી તપાસમાં સામે આવ્યા કે, જેમનો ફોટો PM મોદી સાથે છે છતાં પણ તેમાં 5 લાઇક પણ જોવા નથી મળી રહી.
ફેસબુકમાં ઓછી લાઈકવાળા ધારાસભ્યોની યાદી
– મેઘજી ચાવડા, ધારાસભ્ય કાલાવાડ
– દર્ષિતા શાહ, ધારાસભ્ય રાજકોટ, સરેરાશ 7-10 લાઈક, પીએમ સાથેના ફોટોમાં 100 લાઈક
– બાબુસિંહ જાદવ, ધારાસભ્ય વટવા, સરેરાશ 5-7 લાઈક
– જીતુ ભગત, ધારાસભ્ય નારણપુરા, સરેરાશ 5-8 લાઈક
– કાંતિ અમૃતિયા, ધારાસભ્ય મોરબી … ચર્ચામાં રહે છે પણ ફેસબુકમાં ન બરાબર એક્ટિવ
ફેસબુકમાં એક્ટિવ ધારાસભ્ય-મંત્રી
– ભૂપેન્દ્ર પટેલ
– હર્ષ સંઘવી
– પ્રફુલ પાનસેરિયા
– અમિત ઠાકર
– હાર્દિક પટેલ
– અલ્પેશ ઠાકોર
– જયેશ રાદડીયા
– અર્જુન મોઢવાડિયા
– રિવાબા જાડેજા
– અમિત શાહ, એલિસ બ્રિજ
એક્ટિવ સાંસદ
– અમિત શાહ
– સી.આર પાટીલ
– ધવલ પટેલ, વલસાડ
– મનસુખ માંડવિયા
PM મોદી હંમેશાથી સોશિયલ મીડિયાના આગ્રહી રહ્યાં
વર્ષ 2014માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર થયા બાદ PM મોદી દ્વારા સોશિયલ મીડિયા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં અલગથી કેમ્પેઇન પણ કરવામાં આવ્યું હતું. તેના માટે સાહિત્ય પણ બનાવવામાં આવ્યું હતું. વિશ્વમાં ભારત સૌથી યુવા વયનો દેશ છે. ત્યારે મોટાભાગનો યુવા આજે ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો સુધી સરળતાથી અને ઝડપથી પહોંચવા માટે સોશિયલ મીડિયા એક કારગર હથિયાર માનવામાં આવે છે.