July 1, 2024

ગુજરાત ATSએ કરોડો રૂપિયાના ડ્રગ્સ મામલે મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી

મિહિર સોની, અમદાવાદ: વેરાવળ બંદરથી તાજેતરમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ કબજે કર્યું છે. ગુજરાત ATSની ટીમ ડ્રગ્સ મામલે તપાસ દરમિયાન માહિતી મળી કે ગત સપ્ટેમ્બર 2023માં પાકિસ્તાનથી ઓમાનના દરિયા મારફતે વેરાવળ સુધી ડ્રગ્સ લાવવમાં આવ્યું હતું અને તે ડ્રગ્સ દિલ્હી સુધી મોકલવામાં આવ્યું છે. જેના આધારે ગુજરાત ATS એ 3 લોકોની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે સાઉથ આફ્રિકા ફરાર થઈ ગયેલ ડ્રગ્સ માફિયા ઈશા રાવ આ મુદ્દે માસ્ટર માઇન્ડ છે અને તેણે પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા મુર્તુઝા પાસે થી 8 થી 10 કિલો હેરોઇન મંગાવ્યું હતું અને આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી મોકલવામાં આવ્યો હતો.

ડ્રગ્સ હેરાફેરીનું નેટવર્ક સાઉથ આફ્રિકાથી ચાલતું
વોન્ટેડ આરોપી ઈશા રાવની પત્ની,પુત્ર,પુત્રી સહિત 6 લોકોએ આ ડ્રગ્સનો જથ્થો દિલ્હી પહોંચાડ્યો હતો. જેમાં ગુજરાત ATSએ ઈશા રાવની પત્ની તાહિરા તેના પુત્ર અરબાઝ અને જમાઈ રિઝવાનની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ડ્રગ્સની ડિલિવરી બાદ ગુજરાત ATSની તપાસમાં આ ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ થયો હતો અને દરિયામાંથી ડ્રગ્સ હેરાફેરીનું નેટવર્ક સાઉથ આફ્રિકાથી ચાલતું હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સ માફિયાઓ વેરાવળ બંદરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ લાવીને દિલ્હી પહોંચાડતા હતા.

ઓમાનના દરિયાથી મંગાવીને વેરાવળથી રાજસ્થાન મોકલ્યું
ગુજરાત ATSના ડીવાયએસપી એસ.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે વોન્ટેડ આરોપી ઈશા રાવ અગાઉ ચાર NDPSના ગુનામાં ફરાર છે અને તે પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાના સંપર્કમાં છે. વધુમાં જણાવ્યું કે આરોપી ઈશા રાવે આ ડ્રગ ઓમાનના દરિયાથી મંગાવીને વેરાવળથી રાજસ્થાન મોકલાવી દીધું હતું અને ત્યારબાદ રાજસ્થાનથી આસિફ નામના વ્યક્તિએ દિલ્હી તિલક નગર કોઈ નાઇજિરિયન (સાઉથ આફ્રિકન) વ્યક્તિ ને આપ્યું હતું. ડ્રગ્સ ડિલિવરી માટે ઈશા રાવને 26.84 લાખ મળ્યા હતાં અને આ પૈસા આંગડિયા પેઢીના મારફતે પોતાના પત્ની અને પરિવારને આપ્યા હતા.

16-10-23ના રોજ સવારે ઈશા રાવના સાગરીતને જથ્થો આપ્યો 
વધુમાં અધિકારીએ જણાવ્યું કે આ ગુનામાં હાલ ઈશા રાવ તેની દીકરી માસુમાં,દિલ્હી ડ્રગ લઈ જનાર આસિફ,બોટનો માલિક ધર્મેન્દ્ર ગોડ,પાકિસ્તાની ડ્રગ માફિયા અને નાઇજિરિયન વ્યક્તિ ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે કે ડ્રગ્સને હેમ મલ્લિકા -1ના ટંડેલ અને માલિક ધર્મેન્દ્રને ડિલિવરી આપવામાં આવી હતી અને ધર્મેન્દ્રએ આ જથ્થો 16-10-23ના રોજ સવારે ઈશા રાવના સાગરીતને આપ્યો હતો. ત્યાર બાદ તબક્કા વાર ડ્રગને દિલ્હી આસિફ દ્વારા મોકલવામાં આવ્યો હતો. હાલ આરોપીઓના રિમાન્ડ લઈ આગળની કાર્યવાહી કરશે અને આ લોકોએ અન્ય કેટલું ડ્રગ્સ સપ્લાય કર્યું છે અને દિલ્હીનો આરોપી કોણ છે તે તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.