July 7, 2024

વોટરપાર્કમાં SGSTના દરોડા, 60 કરોડના શંકાસ્પદ વ્યવહારો ખૂલ્યા

અમદાવાદઃ ગુજરાતના 15 જેટલા મોટા વોટર પાર્કમાં સ્ટેટ GSTએ દરોડા પાડ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ પ્રકારના ભાડાના નામે મોટી રકમ વસૂલવામાં આવતી હતી. ત્યારે હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજ્યના અમદાવાદ, રાજકોટ, હિંમતનગર, મહેસાણા, નવસારી, બનાસકાંઠા, ખેડા જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદમાં ફ્લેમિંગો, 7એસ વોટર પાર્ક, જલધારા અને સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્કમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત હિંમતનગરમાં વોટરવિલે, સુસ્વા વોટર પાર્ક, મહેસાણાના બ્લીસ એકવા, શ્રી ગણેશ ફન વર્લ્ડ, નવસારીમાં મોદી વોટર રિસોર્ટ, બનાસકાંઠામાં શિવધારા રિસોર્ટ અને ખેડામાં વોટર સિટી વોટરપાર્કમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

તેમાં રિસોર્ટ રૂમના ભાડા માટે સંબંધીના QR કોડ મોકલી અન્ય વ્યક્તિના નામે પેમેન્ટ લેવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. વોટર પાર્કની એન્ટ્રી ફીમાં દર્શાવેલા GSTના હિસાબી ચોપડામાં દર્શાવવામાં ન આવતું અને સરકારી તિજોરીમાં જમા ન થતી હતી. ત્યારે કોસ્ચ્યૂમ, લોકર રૂમ, ટ્યુબ સહિતના ભાડા વેચાણ માટે લેવાતી રકમ પણ દર્શાવવામાં નહોતી આવી. આ દરોડા દરમિયાન હાલ 60 કરોડથી વધુ રકમના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.