December 21, 2024

આવતીકાલે 33 જિલ્લામાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા, તમામ તૈયારીઓ પૂર્ણ

મલ્હાર વોરા, ગાંધીનગરઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રવિવારે રાજ્યના 33 જિલ્લામાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, ઉમેદવાર શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગે રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષાના યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે 8 હજાર જેટલા કર્મચારીઓને અલગ અલગ પ્રકારની કામગીરી સોંપેલી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એકપછી એક પરીક્ષા લેવાનું આરંભ કર્યું છે. ત્યારે 22 ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના 33 જિલ્લામાં રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે. જો કે, પરીક્ષા દરમિયાન ઉમેદવારને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે બે દિવસ પહેલા 33 જિલ્લાના કલેકટર, તમામ જિલ્લા શિક્ષણા અધિકારી સહિત DySP કક્ષાના અધિકારીઓ સાથે બેઠક કરીને પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા અંગેની માહિતી હાંસલ કરી હતી.

આવતીકાલે રવિવારે યોજવનારી રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષાની 300 જગ્યા માટે 1 લાખ 85 હજાર 491 ઉમેદવાર પરીક્ષા આપશે. જેમાં રાજ્યના 33 જિલ્લાના કુલ મળીને 754 પેટાકેન્દ્રો ખાતેથી પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવાર પરિક્ષા કેન્દ્ર સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એસટી વિભાગની પણ મદદ લીધી છે. ગુજરાત જાહેર સેવા આયોગે એસટી વિભાગને પત્ર લખીને ઉમેદવારને સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચી શકે તે માટે બસોનું સંચાલન કરવાની જાણ કરી છે.

આ ઉપરાંત 11થી 1 વાગ્યા સુધી યોજાનારી પરીક્ષામાં તમામ ઉમેદવારે 10 વાગ્યા સુધીમા પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જવાનું રહેશે. આ ઉપર સમગ્ર પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે 8 હજાર જેટલા સરકારી કર્મચારીઓને વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં ખંડ નિરીક્ષક, પોલીસ કક્ષાના અધિકારીઓ, કલેકટર કચેરીના અધિકારીઓ, શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીઓ, ગુજરાત જાહેર સેવા આયોગના કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ પરીક્ષા કે કેન્દ્રો પર પોલીસના જવાનો સહિત બાયોમેટ્રિક સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ બાયોમેટ્રિક સિસ્ટમમાં ઉમેદવાર પોતાના ઓળખપત્ર સહિત ફિંગર પ્રિન્ટ આપવાની રહેશે. ત્યારબાદ ઉમેદવારના પુરાવા મેચ થાય પછી પરીક્ષા આપી શકશે. ઉમેદવાર પરીક્ષા ખંડમાં કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ સહિત અન્ય વસ્તુઓ લઈ જઈ નહિ શકે, માત્ર ઉમેદવાર પારદર્શક પાણીની બોટલ, પોતાનું ઓળખ પત્ર અને હોલ ટીકિટ લઈને વર્ગખડમાં પ્રવેશ હાંસલ કરી શકશે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપરની સાવચેતી માટે ખાસ સ્ટ્રોંગ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસનો બંદોબસ્ત તૈનાત હશે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ થવાની સંભાવના નહિ રહે.