સોમનાથ મહાદેવ મંદિરના 75મા સ્થાપના દિવસે ભવ્ય પાલખીયાત્રાનું આયોજન

ગીર-સોમનાથ: સોમનાથ મહાદેવ મંદિરના 75મા સ્થાપના દિવસ નિમિતે સોમપરા બ્રાહ્મણો અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પાલખીયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મહાદેવ સ્વયં નગરચર્યાએ નીકળ્યા ત્યારે ભુદેવો પોતાના પરંપરાગત પહેરવેશ સાથે જોડાયા હતા. પ્રભાસ પાટણના મુખ્ય માર્ગો પરથી મહાદેવની ભવ્ય નાસિક ઢોલ અને ઉજ્જૈનના ભસ્મ રમૈયા સાથે પાલખીયાત્રા નીકળી હતી. જેમાં જિલ્લા કલેક્ટર, સાંસદ સહિત બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા.

આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના 75મા સ્થાપના દિવસ નિમિતે સોમનાથ મંદિરેથી ભવ્ય પાલખીયાત્રાનું આયોજન તીર્થ પુરોહિત સોમપુરા બ્રહ્મ સમાજ અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ પાલખીયાત્રાનું પૂજન ભૂદેવો અને કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મહાદેવની પાલખીયાત્રા પ્રભાસ પાટણના માર્ગો પરથી નીકળી હતી. ત્યારે ભગવાન સોમનાથ જાણે સ્વયં નગરચર્યાએ નીકળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

પાલખીયાત્રા દરમિયાન ભુદેવો પોતાના પરંપરાગત પહેરવેશ ધોતિયું અને કુર્તા સાથે જોવા મળ્યા હતા. જેથી સનાતન સંસ્કૃતિની ઝાંખી પણ આ પાલખીયાત્રામાં જોવા મળી હતી. સાથે સ્થાનિક ભૂદેવો દ્વારા પાલખીયાત્રા દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે ડીજેનો ઉપયોગ ટાળવામાં આવ્યો હતો અને નાસિક ઢોલ, ઉજ્જૈનનું ભસ્મ રમૈયા મંડળ આ યાત્રામાં આકર્ષનું કેન્દ્ર બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની તીથી અનુસાર ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 75મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષ દર્શીઓ અનુસાર તત્કાલીન રાષ્ટ્રપતિએ શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો અને એ ધન્ય પળે 101 તોપોની સલામી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે સ્થાનિક ભૂદેવો દ્વારા આજે પ્રભાસક્ષેત્રમાં પાલખીયાત્રા યોજી સ્વયંભૂ મહાદેવના દર્શન કરાવ્યા હતા.