December 18, 2024

AAPને વધુ એક ઝટકો, સરકારના મંત્રી રાજકુમાર આનંદનું રાજીનામું

Rajkumar Anand Resignation from AAP: દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદે રાજીનામું આપ્યું છે. રાજકુમાર આનંદ દિલ્હી સરકારમાં સમાજ કલ્યાણ મંત્રીના પદ પર હતા. તાજેતરમાં જ રાજકુમાર આનંદના ઘરે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. હવે તેમણે આમ આદમી પાર્ટી અને મંત્રી પદ બંનેમાંથી રાજીનામું આપી દીધું છે. માહિતી અનુસાર વર્ષ 2020માં રાજકુમાર આનંદ આમ આદમી પાર્ટીની ટિકિટ પર પટેલ નગરથી ધારાસભ્ય બન્યા હતા.

રાજકુમાર આનંદની પ્રતિક્રિયા
પાર્ટીમાંથી રાજીનામું આપતી વખતે પૂર્વ મંત્રી રાજકુમાર આનંદે કહ્યું હતું કે, ‘હું દિલ્હી સરકારમાં મંત્રી છું અને મારી પાસે સાત વિભાગો છે, પરંતુ આજે હું ખૂબ જ દુઃખી છું અને મારું દુઃખ વહેંચી રહ્યો છું. હું રાજકારણમાં ત્યારે આવ્યો જ્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે રાજકારણ બદલાશે તો દેશ બદલાશે. જોકે આજે અફસોસ સાથે કહેવું પડે છે કે રાજકારણ બદલાયું નથી પણ રાજકારણી બદલાયા છે.

આ પણ વાંચો: ‘પ્રાઈવેટ હતા લગ્ન, ફોટો પણ નહીં કરું પોસ્ટ’, તાપસીએ લગ્ન પર તોડ્યું મૌન

રાજકુમાર આનંદે કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીનો જન્મ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાંથી થયો હતો, પરંતુ આજે આ પાર્ટી પોતે જ ભ્રષ્ટાચારની દલદલમાં ફસાઈ ગઈ છે. મંત્રી પદ પર રહીને આ સરકાર માટે કામ કરવું મારા માટે અસહજ બની ગયું છે. હું હવે આ પાર્ટી, આ સરકાર અને મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું કારણ કે હું નથી ઈચ્છતો કે મારું નામ તેમના ભ્રષ્ટાચાર સાથે જોડાય.

કેજરીવાલના સમર્થનમાં પોસ્ટ
નોંધનીય છે કે, રાજકુમાર આનંદે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સીએમ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં પોસ્ટ કરી હતી. સંજય સિંહની પ્રેસ કોન્ફરન્સનો વીડિયો શેર કરતા તેણે કેપ્શન લખ્યું, ‘કેટલું હાસ્યાસ્પદ છે કે એક ચૂંટાયેલા મુખ્યમંત્રી ભગવંત માન અને એક સાંસદને મીટિંગ માટે ટોકન નંબર આપવામાં આવે છે. ત્યારબાદ મીટીંગ રદ કરવામાં આવે છે. તિહાર જેલના અધિકારીઓ મોદી સરકારના દબાણમાં કામ કરી રહ્યા છે. આ પોસ્ટના એક કલાક બાદ રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.