November 24, 2024

મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ…! GST કલેક્શન રૂ.1.82 લાખ કરોડને પાર

GST Collection Data: GST કલેક્શન મામલે ફરી એકવાર સારા સમાચાર મળ્યા છે. ગ્રોસ GST કલેક્શન જુલાઈ 2024માં 10.3 ટકા વધીને રૂ. 1,82,075 કરોડ થયું. તેમાં રૂ.32386 કરોડનો CGST, રૂ.40289 કરોડનો SGST, રૂ.96447 કરોડનો IGST, જેમાં આશરે રૂ.47 હજાર કરોડની આયાત પરનું કલેક્શન સામેલ છે. આ ગ્રોસ કલેક્શન ગયા નાણાકીય વર્ષના જુલાઇ મહિનામાં રૂ. 1.65 લાખ કરોડની GST આવક કરતાં 10.3 ટકા વધુ છે.

GST ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, રિફંડ બાદ જુલાઈ 2024માં નેટ GST રેવન્યુ કલેક્શન રૂ.165793 કરોડ થયું છે, જે જુલાઈ 2023માં રૂ. 144897ના નેટ કલેક્શન કરતાં 14.4 ટકા વધુ છે. નોંધનીય છે કે, એપ્રિલ 2024માં GST રેવન્યુ 2.10 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ હતી.

GSTને સરળ બનાવવા પર ભાર
તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકાર GSTને વધુ સરળ અને તર્કસંગત બનાવવાનો પ્રયાસ કરશે. બીજી બાજુ, મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર GST દરોની સંખ્યા ઘટાડીને ત્રણ કરીને GSTને તર્કસંગત બનાવવા પર વિચાર કરી રહી છે. જૂનમાં, સરકારે GST કાઉન્સિલને આખરી રિપોર્ટ સબમિટ કરવા માટે એક પેનલની રચના કરી હતી જેમાં દરોમાં ફેરફાર સૂચવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે હાલમાં GSTના ચાર-5%, 12%, 18% અને 28% દર લાદવામાં આવ્યા છે.

લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો
GSTએ સામાન્ય માણસ પર ટેક્સનો બોજ ઘટાડ્યો છે અને ઉદ્યોગ માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કર્યો છે. સંસદમાં રજૂ કરવામાં આવેલી આર્થિક સમીક્ષા 2023-24 અનુસાર, GST સિસ્ટમે સુનિશ્ચિત કર્યું છે કે ટ્રકોને એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે સરહદો પર ઘણા કલાકો સુધી રાહ જોવી ન પડે. ઇકોનોમિક રિવ્યુ કહે છે કે આના કારણે માલસામાનની ટ્રકોને ખસેડવામાં લાગતો સમય 30 ટકા જેટલો ઓછો થયો છે. આનો ફાયદો એ છે કે ટ્રકો હવે સરેરાશ 325 કિલોમીટરનું અંતર કાપે છે જ્યારે જીએસટી લાગુ થયા પહેલા આ અંતર માત્ર 225 કિલોમીટર હતું. આ મુજબ, લોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓમાં વધારો થવાથી દેશમાં મેન્યુફેક્ચરિંગ વૃદ્ધિ અને બિઝનેસ કરવાની સરળતાને પણ વેગ મળ્યો છે.