November 23, 2024

સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, ભાવ ઓલટાઇમ હાઈ

gold silver price recrod break all time high

ફાઇલ તસવીર

મિહિર સોની, અમદાવાદઃ સોનાના ભાવ આસમાને પહોંચતા ખરીદી પર અસર જોવા મળી રહી છે. સોની વેપારીનું કહેવું છે કે, લોકો આ ભાવે પણ સોના ચાંદીના દાગીના ખરીદી કરી રહ્યા છે.

સોના-ચાંદીમાં રેકોર્ડ બ્રેક વધારો થતા ભાવ ઓલટાઇમ હાઈએ પહોંચ્યો છે. સોનું 76 હજાર 800 રૂપિયા અને ચાંદી 87 હજાર રૂપિયાને પાર થઈ ગયું છે. પરંતુ આજે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 76,200 અને એક કિલો ચાંદીનો ભાવ 83,000 જોવા મળ્યો છે. જો કે, સોના-ચાંદીના ભાવ વધતા જવેલર્સમાં ખરીદીનો માહોલ જોવા નથી મળી રહ્યો. પરંતુ લગ્નસરા નિમિત્તે લોકો ખરીદી કરી રહ્યા છે. ભાવ વધતા ગ્રાહકો પ્રસંગમાં રીત-રિવાજ પ્રમાણે થોડું પણ સોનું ખરીદી કરી રહ્યા છે અને સોનાનો ભાવ ઘટે તેવી એક આશા પણ રાખી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સોની વેપારીઓનું કહેવું છે કે, સોનાના ભાવ હજી પણ વધવાની શક્યતા વચ્ચે લોકો એડવાન્સ બુકિંગ કરાવી સોનું ખરીદી રહ્યા છે.

સોનાના ભાવમાં છેલ્લા એક મહિનામાં 12 હજાર સુધીનો વધારો થયો છે. ગત મહિનામાં સોનું 64 હજારના ભાવે હતું. તે આજે 76 હજાર રૂપિયાને પાર પહોચ્યું છે. સોનાની સર્વોત્તમ સપાટી પહોંચવા પાછળ અનેક પરિબળો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વૈશ્વિક સ્તરે રશિયા-યુકેન યુદ્ધ જે આખરી તબક્કામાં પહોચ્યું છે. વૈશ્વિક હાલાકીમાં ઇઝરાયલ-હમાસ અને ઈરાન-ઇઝરાયેલની યુદ્ધની સ્થિતિ વચ્ચે ગઈકાલે ઈરાને યુદ્ધ કરવાની જાહેરાત કરતા સોનાના ભાવ ઓલટાઇમ હાઈ પહોંચ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ લઈ સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. ભારત, બ્રિટન, અમેરિકામાં ચૂંટણીનો માહોલ છે. ડોલરની સામે રશિયા અને ચીન દ્વારા ભવિષ્યમાં સોનાનો સ્ટોક ઊભો કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આવા અનેક કારણોને લઈને સોનાના ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જો કે, ભારતના ઇતિહાસમાં પહેલીવાર સોનાના ભાવ આ સપાટીએ પહોંચ્યા છે.

સોની વેપારીનું કહેવું છે કે, આવનારા દિવસમાં આ પરિસ્થિતિ વચ્ચે સોના ભાવ હજી પણ વધી શકે છે અને સોનું 80 હજાર અને ચાંદી 1 લાખને પાર થાય તો નવાઈ નહીં. પરંતુ સોનું સેફ રોકાણ હોવાથી આ ભાવે પણ લોકો સોનું ખરીદી રહ્યા છે.