ગીર સોમનાથમાં ચા વેચીને મહિને 10 હજાર કમાતા વ્યક્તિને IT વિભાગની 1 અબજની નોટિસ!

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લાના કોડીનારમાં હોટેલમાં ચા વેચનારા વ્યક્તિને આઈટી વિભાગે 115 કરોડની નોટિસ આપતા પરિવાર પર આભ ફાટ્યું છે. મહિને દશ હજાર કમાતા વ્યક્તિને એક અબજથી વધુના ટ્રાન્ઝેક્શનની નોટિસ મળતા ખળભળાટ મચ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી બસ સ્ટેશન પાસે આવેલા શિવ પાર્ક નામના રેસ્ટોરન્ટમાં ચા વેચનારા આસિફ મોહમદ શેખના માથે આભ ફાટ્યું છે. . આસિફ છેલ્લા 20 વર્ષથી અહીં ચા વેચવાનું કામ કરી મહિને દશ હજાર રૂપિયા કમાય છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આસિફે ક્યારેય 5 લાખથી વધુ રૂપિયા જોયા પણ નથી..!! પરંતુ હાલ આસિફ મોહમદ શેખ અને તેના પરિવાર પર આભ ફાટ્યું છે. કારણ છે ઈન્કમટેક્સ વિભાગે આસિફ મોહમદ શેખને 115 કરોડ 92 લાખ 9 હજાર 921 રૂપિયાની નોટિસ ફટકારી ટ્રાન્ઝેક્શનનો ખુલાસો માગ્યો છે. જેને લઈને આસિફ મોહમદ શેખ અને તેનો પરિવાર મુસીબતમાં મુકાયો છે.

કોડીનારનો આસિફ શેખ જે રેસ્ટોરન્ટમાં મહિને દશ હજારમાં ચા વેચવાની નોકરી કરે છે, તેના માલિકનું કહેવું છે કે, આસિફ છેલ્લા વીસ વર્ષથી અહીં જ કામ કરે છે. તેના ઘરની સ્થિતિ ખૂબ દયનીય છે. તે ભાડાનાં મકાનમાં રહે છે. મકાન માલિક તેમની પાસે 32 હજાર રૂપિયા ભાડાના માંગે છે, જ્યારે હું 80 હજાર માંગુ છું તે પહેલેથી જ કર્જનાં બોજ નીચે દબાયેલો છે.’ આ આસિફની પહેલી પત્ની બીમાર હતી. જેનું મોત થયું હતું જેને એક દીકરો અને એક દીકરી છે. જ્યારે આસિફે પત્નીનાં મૃત્યુ બાદ બીજા લગ્ન કર્યા છે, તે પત્નીને પણ દીકરો અને દીકરી બે સંતાનો છે. આમ તેમને ચાર સંતાનો છે. આ પરિવારમાં કુલ 6 સદસ્યો છે અને ભાડાનાં મકાનમાં રહે છે. આસિફ તેના પરિવારનું ભરણ પોષણ દશ હજાર રૂપિયામાં કરે છે. તો એક અબજ અને 15 કરોડ રૂપિયા લાવે ક્યાંથી..?’

મહિને દશ હજાર કમાનારાને 115 કરોડની નોટિસ મળતા આસિફ પોલીસ સ્ટેશને દોડી ગયો હતો અને પોલીસને અરજી આપી હતી. જો કે, મોટો સવાલ એ છે કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 115 કરોડની નોટિસ એક ગરીબને આપવા પાછળ શું કારણ હશે? શું આસિફ મોહમદ શેખનાં પાન કાર્ડનાં આધારે કોઈએ મોટું ટ્રાન્ઝેક્શન કરી આસિફને ફસાવી દીધો કે કેમ? આવા અનેક સવાલ ઉભા થયા છે.