February 24, 2025

સૂત્રાપાડામાં યુટ્યુબર ‘રોયલ રાજા’નું અપહરણ કરી લૂંટ, કિર્તિ પટેલ પર કર્યો આક્ષેપ

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યુટ્યુબર ‘રોયલ રાજા’ ઊર્ફે દીનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો છે. ઘંટીયા ગામના ફાટક નજીક યુટ્યુબરો વચ્ચે જૂના મનદુઃખના કારણે બબાલ થઈ હતી. તેમાં રોયલ રાજાનું અપહરણ કરી લૂંટ ચલાવી અને ઢોરમાર માર્યો છે.

હુમલાખોરોએ મારતી વખતે ટીકટોક ફેઈમ કિર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હતો. કિર્તી પટેલે કહ્યું, ‘રોયલ રાજાની મૂંછ અને વાળ કાપી નાંખો.’ જેથી હૂમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાંખ્યા હતા. મૂઢમાર મારી 28 હજાર લૂંટી ત્રણ કારમાં હુમલાખોરો ફરાર થયા હતા. ઈજા પામનારો રોયલ રાજા ઊર્ફે દિનેશને વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

સૂત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામના ફાટક પાસે નજીકના ગુંદાળા ગામે રહેતા અને હસી મજાક સહિતની રોયલ રાજા નામથી ચેનલ ચલાવતા રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકીને ત્રણ કારમાં આવેલા બે મહિલા સહિત 10થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ કારને એક ગોળના રાબડા પર લઈ જવાઈ હતી. જ્યાં રોયલ રાજાના કપડાં ઉતારી, નગ્ન કરી, ઊંધો સૂવડાવી અને ઢોરમાર માર્યો હતો. ગળામાં પહેરેલી સોનાની ચેઈન તથા 28 હજાર રોકડા રૂપિયાની લૂંટ કર્યાની સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં રોયલ રાજા ઊર્ફે દિનેશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.