ગીર-સોમનાથના જળાશયોમાં જુલાઈ સુધી ચાલે તેટલું જ પાણી, ક્યાંક લોકો તો ક્યાંક પશુઓ પરેશાન!

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લાના લોકોને પીવાના પાણી અને ખેતીના આધાર સ્તંભ કહી શકાય તેવા પાંચ જળાશયોની સ્થિતિ પૈકીના ચારમાં 31 જુલાઈ સુધી પાણીનો જથ્થો મળી શકે તેટલું પાણી હાલ છે. ત્યારબાદ આગામી ચોમાસામાં ફરી વરસાદ થાય તેવી સિંચાઈ વિભાગની પણ ચાતક નજર છે. તો જિલ્લામાં ક્યાંક પાણી પૂરતું મળે છે. તો ક્યાંક લોકો પાણીથી પરેશાન છે. તંત્ર તાકીદે યોગ્ય કરે તેવી સ્થાનિકોમાં માગ છે. તો ગીરના સિંહો સહિત વન્ય પ્રાણી ઓ માટે નીયત 100 mcft પાણી રીઝર્વ રખાશે.
આકરા ઉનાળા અને ગરમીએ લોકોને પરેશાન કર્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ આકરા તાપથી નદીનાળા અને પાણીના સ્તર પણ સૂકાવા લાગ્યા છે. જ્યારે ગીર પંથકમાં સમગ્ર જિલ્લાના પાંચ મુખ્ય જળાશયો આવેલા છે. જેમાં હિરણ-1 અને શિંગોડા ડેમ. ગીર જંગલમાં આવેલા છે. આ જંગલમાં વસતા વન્ય પ્રાણીઓની જીવાદોરી છે. જ્યારે હિરણ-2, મચ્છુદ્રી ડેમ અને રાવલ ડેમ. આ ડેમ પીવાનો અને ખેતીનો આધાર સ્તંભ મનાય છે..
ત્યારે જિલ્લાનો મોટો ડેમ એટલે હિરણ 2- સિંચાઈ યોજના તાલાળાના ઉમરેઠી નજીક આવેલો છે. આ ડેમ પરથી બે મહાકાય ખાનગી ઉદ્યોગો સોમનાથ ટ્રસ્ટ, ચોરવાડ જૂથ યોજના અને વેરાવળ-પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પડાય છે. ત્યારે હિરણ ડેમ-2 હાલ 53% જળરાશિથી ભરેલો છે. હિરણ એકની વાત કરીએ તો તેમાં 73% જળ રાશિ ભરેલી છે. જેમાંથી 100 mcft પાણી જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ માટે રિઝર્વ રાખવામાં આવે છે. અન્ય ડેમની વાત કરીએ તો ગીરગઢડા નજીક મચ્છુન્દ્રી ડેમમાં 51% ટકા અને ઉનાના રાવલ ડેમમાં 70% પાણીનો હાલ સ્ટોક છે. આગામી 31 જુલાઈ સુધી ચાલી શકે તેવું સિંચાઈ વિભાગનું અનુમાન છે.
ગીરમાં આવેલા શિંગોડા ડેમમાં હાલની સૌથી ઓછી 21 ટકા સપાટી છે. જેનું કારણ એ છે કે આ ડેમ પર વર્ષો જૂના દરવાજાઓ રિપેર કરી તેની જગ્યાએ 6 નવા રેડિયલ ગેટ ફીટ કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામ આગામી ચોમાસા પૂર્વે સમારકામ પૂર્ણ થશે. ત્યારે જિલ્લાના અનેક ગામો હાલ એવા છે કે જ્યાં સિંચાઈ વિભાગની કેનાલો નથી, નળમાં પાણી આવતા નથી, કૂવા અને બોરના તળ ઉતરી ગયા છે. ત્યારે આ વિસ્તારમાં વર્ષોથી ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. સૂત્રાપાડા, ઉના કોડીનાર, વેરાવળ સહિતના ગામોમાં હવે ટેન્કરો શરૂ કરી અને પીવાનું પાણી પૂરું પડશે. આમ એકંદરે વાત કરીએ તો જિલ્લામાં આગામી જુલાઈ માસ સુધી પાણીનું વિતરણ ઉપરોક્ત જળાશયોમાંથી કરી શકાશે.