June 30, 2024

ડુપ્લિકેટ ખાતર વેચનારા-બનાવનારા ચાર લોકોની ધરપકડ, ખેડૂતોની ફરિયાદને આધારે કાર્યવાહી

ગીર સોમનાથઃ ગીરની નવાબંદર પોલીસે ડુપ્લિકેટ ખાતર વેચનારા અને બનાવનારા ચાર લોકોની ધરપકડ કરી છે. કોડીનારના ખેડૂતોને ડુપ્લિકેટ ડીએપી ખાતર વેચવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂત નેતાની ફરિયાદ બાદ એક્શન લેવામાં આવી હતી.

ગીર સોમનાથના ઉનાનું તડ ગામ, જ્યાં લાયસન વગરનો ખાનગી એગ્રો ધમધમતો હતો. તેના સંચાલકે આસપાસના ગામો સહિત કોડીનારના ખેડૂતોને ડીએપી ખાતરની અછત હતી ત્યારે ખાતર વેચ્યું હતું. ડીએપી ખાતર માટે ખેડૂતો વલખાં મારી રહ્યા હતા તે સમયે અહીં ખાતર મળતું હતું. જો કે, ખેડૂતો ખાતર લાવ્યા બાદ છેતરાયા હોવાની જાણ થતા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ‘મોદી કેબિનેટ 3.0’માં 7 મહિલા મંત્રી, પ્રથમવાર ચૂંટાયેલા ગુજરાતી સાંસદ સામેલ

છેલ્લા ઘણાં સમયથી આ કેસની તપાસ ચાલુ હતી. ત્યારે પોલીસે આખરે આ મામલે ચાર આરોપીઓને દબોચી લીધા છે. નવાબંદર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા તડ ગામના એગ્રો ચલાવનારાની ધરપકડ કરી છે. જૂનાગઢનો જે શખ્સ તડ ખાતર સપ્લાય કરતો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભાર્ગવ કોપર્સ નામની મહેસાણાની કંપની છે, તેની પાસે ખાતર બનાવવાનું લાયસન્સ હતું. છતાં તેમને ડીએપી ડુપ્લિકેટ ખાતર બનાવી સપ્લાય કરતા કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.