ગીર સોમનાથમાં કોંગ્રેસે હીરા જોટવાને મેદાને ઉતાર્યા, આહિર સમાજનું મોટું નામ
ગીર-સોમનાથઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જેમાં જૂનાગઢથી હીરા જોટવાને મેદાને ઉતારવામાં આવ્યા છે. જ્યારે ભાજપમાંથી બે ટર્મથી સાંસદ રહેલા રાજેશ ચુડાસમાને ત્રીજીવાર ટિકિટ આપી રિપિટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે જ્ઞાતિગત સમીકરણ ધ્યાને રાખીને આહિર સમાજના ઉમેદવાર અને સમાજમાં મોટું નામ ધરાવનારા હીરા જોટવાને ટિકિટ આપી છે.
આ અગાઉ 2 ચૂંટણીમાં કોંગ્રેસ કોળી ઉમેદવાર પૂંજા વંશને ટિકિટ આપતું રહ્યું હતું. જ્યારે ભાજપે પણ કોળી સમાજમાંથી આવતા રાજેશ ચુડાસમાને ટિકિટ આપી હતી. કોંગ્રેસના ઉમેદવાર બંને લોકસભા ચૂંટણી હાર્યા હતા. ત્યારે કોળી સમાજના મતોનું ધ્રુવીકરણ ન થતા આ વખતે આહિર સમાજના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.
હીરાભાઈ જોટવા ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. પોતે ખેડૂત નેતા છે. આ સાથે સાથે શૈક્ષણિક જગતમાં પણ અનેક સંસ્થાઓનું સર્જન કરી ચૂક્યા છે. ત્યારે હીરા જોટવા પોતાના કાર્યો પર પ્રજા તેમને સાંસદ બનાવશે તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
વડોદરા-સુરેન્દ્રનગરના ઉમેદવાર જાહેર કર્યા
આ સાથે જ કોંગ્રેસે અન્ય બે ગુજરાતની લોકસભા બેઠકના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં વડોદરાની સીટ પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીની સામે ક્ષત્રિય જશપાલસિંહ પઢિયારને મેદાને ઉતાર્યા છે. જ્યારે સુરેન્દ્રનગરમાંથી ઋત્વિજ મકવાણાને કોંગ્રેસે ટિકિટ આપી છે.